રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ધાંગધ્રાથી ધોરાજી તરફ આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ માર્ગ પર પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 25 પૈકી 19 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જ્યારે 6 ગંભીર રીતે ઘાયલ થયા છે
અકસ્માત સર્જાતા જ ચીસાચીસ મચી ગઈ હતી, જેને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં મહિલાઓ, પુરુષો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. 19 ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, 6 મુસાફરોની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે.