રાજકોટમાં હાલમાં જ ગાજેલા બળાત્કારના એક કિસ્સાએ નવો વળાંક લીધો છે. પૂર્વ શિક્ષિકા અને કથિત પ્રેમિકા દ્વારા જેની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી હતી તે આરોપી ધ્રુવલ દેસાઈએ વારાણસીમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાને પગલે ધ્રુવલની પત્ની સાક્ષી દેસાઈ અને તેના પરિવારજનોએ રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે દોડી જઈ રજૂઆત કરી છે અને સમગ્ર મામલે ન્યાયની માંગણી કરી છે.
પત્ની સાક્ષી દેસાઈએ પોતાના પતિ ધ્રુવલ દેસાઈ પર થયેલા આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું છે કે, શિક્ષિકાએ નોંધાવેલી ફરિયાદ તદ્દન ખોટી છે અને આ બદનામીના કારણે જ ધ્રુવલે વારાણસીમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ તેમની હાલત ગંભીર હોવાનું અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, શિક્ષિકાએ લગ્નના ખોટા વાયદાના આક્ષેપો કર્યા હતા જે પાયાવિહોણા છે, કારણ કે શિક્ષિકા પોતે પરિણીત અને ડિવોર્સી છે તથા તેમને 17 વર્ષનો દીકરો પણ છે.
સોશિયલ મીડિયામાં વિગતો વાઈરલ કરી બદનામ કરવામાં આવ્યા વધુમાં તેણીએ આક્ષેપ કર્યો હતો કે, શિક્ષિકાની માંગણી મુજબ નાણાંની ચૂકવણી પણ કરી હતી, તેમ છતાં સોશિયલ મીડિયામાં આ વિગતો વાયરલ કરીને પરિવારને બદનામ કરવામાં આવ્યો હતો. આ માનસિક દબાણ હેઠળ જ પતિ 2 દિવસથી લાપતા હતા અને અંતે આત્મઘાતી પગલું ભર્યું છે. તેમણે પોલીસ કમિશનરને વિનંતી કરી છે કે તેમના પક્ષના પુરાવાઓ પણ ધ્યાને લેવામાં આવે અને આ સમગ્ર ઘટના માટે જવાબદાર યુવતી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.