અમેરિકાના એટલાન્ટા સિટીમાં આવેલી ગોકુલધામ હવેલીમાં 13થી 22 ઓક્ટોબર સુધી આદ્યશક્તિના ભક્તિ પર્વની સાથે નવરાત્રિ મેલા-2023નું આયોજન કરાયું છે. જે અંતર્ગત ગુજરાતી ગરબાના આયોજન સાથે નવરાત્રિ પર્વનો રવિવારથી રંગેચંગે પ્રારંભ થયો છે. શુક્ર અને શનિવારે રાત્રિ બિફોર નવરાત્રિમાં ગોકુલધામ હવેલીના સાંવરિયા ગ્રૂપના કલાકારોએ ગરબાની રમઝટ બોલાવતાં મોટી સંખ્યામાં ઊમટી પડેલા ખેલૈયાઓએ ગરબાનો ભરપૂર આનંદ લૂંટ્યો હતો. તેમજ ત્રણ તાળી અને દોઢિયા રમી જમાવટ પાડી દીધી હતી.
અમેરિકાના એટલાન્ટામાં વડોદરાના કલ્યાણરાયજી મંદિરના પીઠાધિશ્વર દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ ગોકુલધામ હવેલી કાર્યરત છે. આ ગોકુલધામ હવેલીમાં નવરાત્રિ મેલા-2023નું આયોજન કરાયું છે. છેલ્લા 15 દિવસથી વોલેન્ટિયર્સ દ્વારા નવરાત્રિ માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે ગોકુલધામ હવેલીના જ કીર્તનકાર અને ગાયક અલ્પેશ સાવલિયા દ્વારા સ્થાપિત સાંવરિયા ગ્રૂપના ગાયક મીનલ કાપડિયા અને સાથી કલાકારો દ્વારા જ ગરબાની રમઝટ જમાવી ખેલૈયાઓને પરંપરાગત અને વડોદરા સ્ટાઈલના ગરબે રમાડવાનું આયોજન થયું છે.