ધોરણ 12ની પરીક્ષાના પરિણામ પૂર્વે નાપાસ થવાના ભયે યુવકનો આપઘાત

રાજકોટ શહેરમાં બોર્ડ પરીક્ષાના પરિણામ પહેલાં જ વિદ્યાર્થીઓમાં વધતા માનસિક તણાવનો ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. મવડી મેઇન રોડ શ્રીનાથજી સોસાયટીમાં ધોરણ 12માં અભ્યાસ કરતા 20 વર્ષીય યુવકે ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

ધોરણ 12ની પરીક્ષા આપ્યા બાદ ગુમસૂમ રહેતા યુવકે અચાનક આત્મઘાતી પગલું ભરી લેતા માતા-પિતા પર આભ ફાટી પડ્યું, બનાવથી પરિવારમાં ઘેરો કલ્પાંત છવાયો છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના મવડી મેઇન રોડ, શ્રીનાથજી સોસાયટી શેરી નં.2માં રહેતા અને ધોરણ 12માં અભ્યાસ કરતા મીત મોહનભાઈ માવલા(ઉં.વ.20) નામના યુવકે રવિવારે સાંજે સાતેક વાગ્યા આસપાસ ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારે યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો.

જોકે હોસ્પિટલમાં સારવાર લીધા પૂર્વે જ યુવકે દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવિયાનગર પોલીસને જણાવતા જમાદાર ઓગણિયા સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે મૃતક યુવાનના પિતા મોહનભાઈએ જણાવ્યા અનુસાર, મારો પુત્ર મીત ધોરણ 12માં અભ્યાસ કરતો હતો અને તાજેતરમાં જ તેણે બોર્ડની પરીક્ષા પણ આપી હતી. પરીક્ષા આપ્યા બાદ દીકરો સતત ચિંતામાં અને ગુમસૂમ રહેતો હતો. કારણ પૂછવા છતાંય ખૂલીને કંઈ જ જણાવતો નહોતો.

પરિણામ પૂર્વે તણાવ: વિદ્યાર્થીઓમાં વધતી ચિંતા ચિંતાજનક બોર્ડ પરીક્ષાના પરિણામ પહેલાં વિદ્યાર્થીઓમાં માનસિક તણાવના બનાવો વધી રહ્યા છે. નિષ્ણાતો મુજબ, નિષ્ફળતાનો ભય અને અપેક્ષાનો ભાર વિદ્યાર્થીઓને અંદરથી દબાવી દે છે. આવી સ્થિતિમાં પરિવારજનોએ બાળકો સાથે ખૂલીને વાતચીત કરવી અને તેમની ભાવનાઓ સમજવી અત્યંત જરૂરી બની રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *