અમદાવાદમાં દિવસ દરમિયાન ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં બેફામ દોડતા વાહનો નિર્દોષ લોકોના જીવ માટે ખતરો બની રહ્યા છે, ત્યારે શહેરના સાબરમતી વિસ્તારમાં ભારે વાહનોની બેદરકારી ફરી એકવાર સામે આવ્યો છે. ગત 13 માર્ચ 2026ના રોજ રેપિડો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો એક યુવક પોતાની 14 વર્ષીય દીકરી અને 6 વર્ષના દીકરાને સ્કૂલે મૂકવા જઈ રહ્યો હતો, ત્યારે સાબરમતી ટોલનાકા પાસે પાછળથી આવતા એક ડમ્પરે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી.
દીકરીને હાથમાં મલ્ટીપલ ફ્રેક્ચર ને 30 ટાંકા આવ્યા ટક્કર એટલી ભયાનક હતી કે, પિતા અને બંને બાળકો રોડ પર ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં 14 વર્ષની અક્ષિતાને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને તાત્કાલિક સાવરા માટે પંચશીલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેને હાથમાં મલ્ટીપલ ફ્રેક્ચર આવ્યા છે અને લગભગ 30 ટાંકા લેવામાં આવ્યા છે. આ સાથે જ સિનિયર કેજીમાં અભ્યાસ કરતા 6 વર્ષના ધ્વનિલને પણ સામાન્ય ઇજાઓ પહોંચી છે.
આ ઘટનાના પગલે પીડિત યુવકે ડમ્પર માલિક મુકેશ વણઝારાને સારવારના ખર્ચ માટે વિનંતી કરી હતી, પરંતુ માલિકે મદદ કરવા ઇનકાર કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલમાં યુવક પોતાના સગા-સંબંધીઓ પાસેથી પૈસા ઉછીના લઈને દીકરીની સારવાર કરાવી રહ્યો છે. ડોક્ટરોએ જણાવ્યું છે કે, બાળકીના જમણા હાથની નસો ગંભીર રીતે નુકસાન પામી છે.