રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ઉનાળાની સિઝન શરૂ થતા જ શહેરના ખાદ્યપદાર્થોના વિક્રેતાઓને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ગરમીના કારણે ઠંડા પીણાં તેમજ આઈસ ગોલાનું ચલણ વધ્યું હોય, તંત્ર દ્વારા શહેરની જાણીતી પેઢી ‘આઝાદ હિન્દ ગોલાવાલા’ની બે અલગ-અલગ બ્રાન્ચોમાં ચેકીંગ કરીને ખાદ્ય ચીજોના નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ તપાસમાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કુલ 6 જેટલા શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યાં હતાં. તેમજ મોચીનગર મેઇન રોડ, બજરંગવાડી વિસ્તારમાં 19 વેપારીઓની તપાસ કરી 8ને લાયસન્સની નોટિસ આપવામાં આવી હતી.
મનપાના ફૂડ વિભાગની ટીમે સૌપ્રથમ ત્રિકોણ બાગ પાસે આવેલ આઝાદ હિન્દ ગોલાવાલાને ત્યાં તપાસ હાથ ધરી હતી. અહીંથી આઈસ ગોલામાં વપરાતા કેડબરી ફ્લેવર સિરપ (લૂઝ), કાચી કેરી ફ્લેવર સિરપ (લૂઝ) અને માવા રબડી (લૂઝ)ના નમૂના લેવામાં આવ્યા હતા.