જસદણની સરકારી કન્યા શાળાના ઉંબરે જ ગંદકીના થરમાંથી પસાર થવા વિદ્યાર્થિનીઓ મજબૂર

જસદણ શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલી સરકારી કન્યા પ્રાથમિક શાળા હાલ તંત્રની ઘોર ઉપેક્ષાનો શિકાર બની છે.

શાળાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ છેલ્લા લાંબા સમયથી ગટરના ગંદા પાણી વહી રહ્યા છે અને કચરાના ગંજ ખડકાયા છે.

શિક્ષણના મંદિર સમાન આ શાળાના દ્વારે ફેલાયેલી અતિશય ગંદકી અને દુર્ગંધના કારણે નાની બાળાઓનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે.

શાળાના મુખ્ય દરવાજા પાસે જ ગટર ઉભરાતી હોવાથી દીકરીઓને દરરોજ આ ગંદા પાણીમાંથી પસાર થઈને શાળામાં પ્રવેશવું પડે છે.

કચરાના ઢગલા અને ગંદા પાણીને કારણે અહીં ભયંકર મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. અસહ્ય દુર્ગંધના કારણે વર્ગખંડોમાં બેસવું પણ મુશ્કેલ બન્યું છે, જેને પગલે માસૂમ બાળાઓમાં રોગચાળો ફેલાવવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

એક તરફ સરકાર બેટી બચાવો, બેટી પઢાવોના નારા લગાવે છે, ત્યારે બીજી તરફ જસદણની દીકરીઓ નર્ક જેવી સ્થિતિમાં ભણવા મજબૂર છે.

રજૂઆતો પછી પાલિકાનું ગંભીર મૌન આ ગંભીર સમસ્યા અંગે શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા જસદણ નગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. જવાબદાર અધિકારીઓને આ સમસ્યાથી વાકેફ કરવામાં આવ્યા હોવા છતાં, આજદિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. તાત્કાલિક આ ગટર, ગંદકીનો કાયમી નિકાલ કરી શાળાનું વાતાવરણ સ્વચ્છ બનાવાય તેવી વાલીઓએ માગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *