ગોંડલ-કોટડાસાંગાણી રોડ પર કાર અને ત્રિપલ સવારી એક્ટિવાની ટક્કર, એકનું મોત

ગોંડલ કોટડા સાંગાણી રોડ પરથી પસાર થઇ રહેલા ત્રિપલ સવારી એકટીવા સામેથી આવતી કાર સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં કોટડા સાંગાણીનાં યુવાનનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું.

જ્યારે તેમના બે મિત્રને ઇજા પહોંચતા સારવાર માટે પહેલાં ગોંડલ અને વધુ સારવારની જરૂર જણાતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. અકસ્માત સર્જીને કારનો ચાલક ફરાર થઇ ગયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ રાત્રીનાં સવા આઠનાં સુમારે ગોંડલ કોટડાસાંગાણી રોડ પર પરફેક્ટ રિસોર્ટનાં પાટિયા પાસે જીજેઓ 3બીએ 1647 નંબરની કાર તથા જીજેઓ 3 એનડી 0857 નંબરનું ત્રિપલ સવારીમાં આવી રહેલું એકટીવા ધડાકાભેર અથડાયું હતું.

ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા પર સવાર ત્રણેય મિત્રો રોડ પર ફંગોળાયા હતા.

આ અકસ્માતમાં એકટીવા ચાલક ભખ્ખર મુસ્તફા હાજી અબ્દુલ સતાર ઉ.32 નું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે એકટીવામાં સવાર તેમના મિત્ર ગફારભાઇ અહમદશા શાહમદાર ઉ.40 તથા સાજીદભાઇ રજાકભાઇ બેલી ઇજાગ્રસ્ત બન્યા હતા.

અકસ્માતનો ભોગ બનનાર મુસ્તફાનાં મૃતદેહ ને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે બન્ને ઇજાગ્રસ્તને ગોંડલ સારવાર આપી રાજકોટ ખસેડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *