2 શખસોએ સ્ટીલનો માલ ખરીદી શરૂઆતમાં પૂરું પેમેન્ટ કર્યું, પછી વિશ્વાસઘાત કરી રફૂચક્કર

રાજકોટમાં સ્ટીલનું વેચાણ કરતા સનરાઈઝ મલ્ટી સ્ટીલ કંપનીના ડિરેક્ટર સાથે રૂ.1.51 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. 2 શખ્સોએ આર. પી. સ્ટીલ પેઢીના નામે સ્ટીલ ખરીદવાનું શરૂ કર્યુ હતુ. જે બાદ એક વખત પૂરું પેમેન્ટ આપ્યા બાદ પેમેન્ટમાં ધાંધિયા શરૂ કર્યા હતા. રૂ.3.74 કરોડમાંથી રૂ.2.23 કરોડ ચૂકવ્યા બાદ બાકીના પૈસા ન ચૂકવી ફોન બંધ કરી દીધો હતો. જે બાદ વેપારીએ બંને શખ્સોની પેઢી અને ઘર પર તપાસ કરી હતી.

જોકે તેઓ મળી આવ્યા ન હતા. જેથી વેપારીએ બંને શખ્સો સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં બંને શખ્સોએ ગોંડલ, શાપર વેરાવળ અને અમદાવાદમાં માલ લઈ નાણા ન આપ્યાના બનાવો બન્યા હોવાનું જણાવ્યુ હતુ. જેથી પોલીસે તપાસ શરૂ કરી છે.

અમે સ્ટીલનું વેચાણ વધે તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત આપીએ છીએ રાજકોટમાં સનરાઈઝ મલ્ટી સ્ટીલ કંપનીના ડિરેક્ટર 54 વર્ષીય સંજયભાઇ પાણે ક્રાઇમ બ્રાન્ચમા આર.પી.સ્ટીલ પેઢીના પ્રોપરાયટર રૂષીકેશભાઇ પંકજભાઈ મહેતા અને કીશોરભાઈ સામે રૂ.1.51 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2019માં સનરાઇઝ કંપની શરૂ કરી હતી અને 2021માં સ્ટીલનું ઉત્પાદન શરૂ કર્યું હતુ. અમે સ્ટીલનું વેચાણ વધે તે માટે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોથી જાહેરાત આપીએ છીએ. આ દરમિયાન માર્ચ 2025માં ઋષિભાઈ અને કિશોરભાઈએ કોન્ટેક્ટ કર્યો હતો. જેઓ આર. પી. સ્ટીલ નામની કંપની ધરાવતા હોવાનું કહ્યું હતું અને સ્ટીલની જરૂરિયાત વિશે વાત કરી હતી.

ફરિયાદીએ બંને સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી જે બાદ રૂ.12,08,460 નો સ્ટીલનો ઓર્ડર આપી નાણા આપી દીધા હતા.ત્યારબાદ રૂ.3,74,31,353 નો સ્ટીલનો માલ મોકલ્યો હતો. જોકે તેમાંથી રૂ.2,23,21,032 આપ્યા હતા અને બાકીના રૂ.1,50,37,980 આપ્યા નહીં. આ ઉપરાંત અગાઉના રૂ.72,347 મળી રૂ.1,51,10,321 આપવાના બાકી છે. બાકી નાણાં બાબતે અનેક વખત ફોન કરવા છતાં બંને દ્વારા ફોન ઉપાડવામાં આવ્યા ન હતા. જે પછી તપાસ કરતા આર. પી. સ્ટીલની સાઇટ બંધ હતી અને ઋષિકેશભાઈના ઘરે જતા ત્યાં પણ તેઓ મળી આવ્યા ન હતા. જેથી ફરિયાદીએ બંને સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4),3(5) મૂજબ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *