રાજકોટના રૈયાધાર મફતિયાપરા શીતલ પાર્ક પાસે ગૌશાળાની બાજુની ઓરડીમાં જાલીનોટ બનાવવાનું કારસ્તાન ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી એક રીઢા ગુનેગારને રૂ.23 હજારના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો. શીતલ પાર્ક પાસે ગૌશાળાની બાજુમાં રહેતો નૈતિક મહેન્દ્ર અગ્રાવત નામનો શખ્સ જાલીનોટ બનાવતો હોવાની એસઓજીના એએસઆઇ રાજેશ બાળા અને સિદ્ધરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી જેના આધારે સ્ટાફે દરોડો પાડી 100ના દરના બનાવટી ચલણી દરના 35 પેપર તથા એચ.પી.કંપનીનું પ્રિન્ટર, A4 સાઇઝના કોરા કાગળનું પેકેટ તથા વીવો કંપનીનો મોબાઇલ સહિત કુલ રૂ.23 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આરોપી સામે અગાઉ અપહરણ, દુષ્કર્મ, ચોરી સહિતના ગુના નોંધાયેલા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
અન્ય બનાવ બોટાદના ભાંભણ રોડ પર હીફલી શેરી નં.9માં રહેતા નિવૃત્ત શિક્ષક બટુક માનસંગભાઈ પટેલ (ઉ.વ.59)ને જમીન બતાવવાના બહાને રાજકોટ બોલાવી હોટેલમાં લઇ જઇ હનીટ્રેપની જાળમાં ફસાવી રૂ.12 લાખ પડાવી લેવાના ગુનાનો રાજકોટ પોલીસએ ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી લીધો છે. આ મામલે બે મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે એક મહિલા આરોપીની શોધખોળ ચાલુ છે.
મળતી માહિતી મુજબ, આરોપીઓએ નિવૃત્ત શિક્ષકને એસ.ટી. બસ સ્ટેશન પાછળ આવેલી એલેક્ષા હોટેલમાં લઇ જઈ બળજબરીથી શરીરસંબંધ બાંધી તેના ફોટા પાડી બ્લેકમેઈલ કર્યો હતો. બાદમાં ખોટા દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની, જાનથી મારી નાખવાની તથા છરી બતાવી ધમકી આપી અપહરણ જેવી હરકતો કરી તેમની પાસેથી રૂ.12 લાખ પડાવી લીધા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, એ-ડિવિઝન પોલીસ મથકમાં હનીટ્રેપ દ્વારા ખંડણી વસૂલવાના ગુનાની નોંધ થયા બાદ ડી.સી.પી. જગદીશ બાંગરવાની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પડધરી તાલુકાના નારણપર ગામે રહેતા નિલેશ મૈયા ઝુંઝા, ગાંધીનગરના રાંદેસણ ખાતે ઉમાગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતી પાયલ ભાવિન પટેલ અને મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે રાધામીરા સોસાયટીમાં રહેતી તેજલ દીપક ટીંડાણીને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસની આગવી ઢબે પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનાની કબૂલાત કરી અને ચોથી આરોપી તરીકે અંજલિ નામની યુવતી સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું હતું. આ અંજલિની ઓળખ કરાવનાર તથા તેને લાવનાર શખ્સને પણ ઝડપવા પોલીસ તજવીજ કરી રહી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, નિવૃત્ત શિક્ષક પાસેથી પડાવેલી રૂ.12 લાખમાંથી મોટાભાગની રકમ આરોપીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ રકમ કબજે કરવા માટે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.