ગ્રીનલેન્ડ ચોકડી પાસે અડધા કરોડની વ્હેલની ઊલટી સાથે અમદાવાદના બે શખ્સ ઝડપાયા

રાજકોટમાંથી વધુ એક વખત એમ્બરગ્રીસ-વ્હેલ માછલીની ઊલટી સાથે બે શખ્સને પકડી લેવાયા છે. અમદાવાદના બે શખ્સ અડધા કરોડ આસપાસની કિંમતના એમ્બરગ્રીસ સાથે રાજકોટના કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે ગ્રાહકની શોધમાં છે તેવી બાતમી પરથી શહેર એસઓજીની ટીમે ત્યાં પહોંચી જઇ બંનેને સકંજામાં લઇ તલાશી લેતાં રૂ.46.20 લાખની કિંમતનું એમ્બરગ્રીસ કબજે કરી બંનેને અટકાયતમાં લઇ વધુ તપાસ માટે વન વિભાગને સોંપ્યા છે.

વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ અનુસૂચિમાં સમાવેશ પામેલા સુરક્ષિત જીવોના અવશેષોનું ગેરકાયદેસર રીતે વેચાણ, સંગ્રહ અને હેરફેર કરવામાં સંડોવાયેલા શખ્સો પર વોચ ગોઠવવામાં આવી હતી. એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, વ્હેલ માછલીની ઊલટી-એમ્બરગ્રીસ સાથે બે શખ્સ ગ્રીનલેન્ડ ચોકડી નજીક ગ્રીનલેન્ડ ગ્લોક્સી બિલ્ડિંગ નજીક આવ્યા છે અને આ પદાર્થ વેચવા માટે ગ્રાહકની શોધમાં છે.

આ બાતમીને આધારે એસઓજીની ટીમ ત્યાં પહોંચી હતી અને બાતમી મુજબના બંને શકમંદને સકંજામાં લીધા હતા. તેની પાસે શંકાસ્પદ પદાર્થ હોઇ તેનું પરીક્ષણ કરાવતા એમ્બરગ્રીસ હોવાનું ખુલ્યું હતું. આ શખ્સોએ પૂછતાછમાં પોતાના નામ સુમિત શ્રીકાંતભાઈ ધુલમ(ઉ.વ.37) તથા મયૂર મહેન્દ્રભાઈ ભાવસાર(ઉ.વ.19) જણાવ્યા હતા. બંને શખ્સ અમદાવાદના રહેવાસી છે.

રાજકોટમાં વેચવા આવ્યા હોવાની બંનેની કબૂલાત પોલીસની પ્રાથમિક પૂછતાછમાં બંનેએ કબૂલ્યું હતું કે, પોતાની પાસેનો પદાર્થ વ્હેલ માછલીની ઊલટી છે જે તેઓ અમદાવાદના એક શખ્સ પાસેથી લાવીને રાજકોટ વેચવા આવ્યા હતા. એસઓજીએ આ મામલે વન વિભાગને જાણ કરી બંને શખ્સને વધુ પૂછતાછ માટે વન વિભાગની ટીમને સોંપ્યા હતા. આ શખ્સો પાસેથી 0.462 કિલોગ્રામ એમ્બરગ્રીસ રૂ.46.20 લાખ તથા બે મોબાઇલ ફોન સાથે રૂ.46.30 લાખ મુદ્દામાલ કબજે કરાયો છે. આ કામગીરી એસ.ઓ.જી. પીઆઈ એસ.એમ. જાડેજા, પીએસઆઈ એમ.વી.જાડેજા તથા ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *