રાજકોટ જિલ્લા પંચાયતની વર્તમાન ટર્મની મુદત 16 માર્ચે પૂર્ણ થઈ રહી છે, તે પૂર્વે આવતીકાલે વર્ષની છેલ્લી અને મહત્વની ખાસ સામાન્ય સભા યોજાનાર છે. આ બેઠક મુખ્યત્વે નવા નાણાંકીય વર્ષનું બજેટ મંજૂર કરવા માટે બોલાવવામાં આવી છે. સામાન્ય રીતે ખાસ સભામાં પ્રશ્નોત્તરી હોતી નથી, પરંતુ સભ્યોની રજૂઆતોને ધ્યાને રાખીને શાસકોએ પ્રશ્નોત્તરીની છૂટ આપી છે. જેને પગલે રાજકીય માહોલ ગરમાયો છે અને વિપક્ષ દ્વારા શાસક પક્ષને વિવિધ મુદ્દે ઘેરવાની પૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે.
આ પ્રશ્નોત્તરી કાળમાં કુલ 32 જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, જેમાં શાસક પક્ષના વિરલ પનારાના 5 અને કારોબારી ચેરમેન પી.જી.કીયાડાના 8 પ્રશ્નો છે. વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 19 ધગધગતા પ્રશ્નો રજૂ કર્યા છે. જોકે, ક્રમ મુજબ પ્રથમ 13 પ્રશ્નો શાસક પક્ષના હોવાથી 1 કલાકનો પ્રશ્નોત્તરી સમય તેમાં જ પૂર્ણ કરી દેવાનો વ્યૂહ હોવાની ચર્ચા છે. વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો છે કે જો તેમના પ્રશ્નોનો વારો લેવામાં નહીં આવે તો સભામાં ભારે તડાફડી સર્જાશે.
ખાસ કરીને જિલ્લા પંચાયતના રૂ. 84 લાખના સ્થળાંતર ખર્ચ અને સફાઈના મોટા ટેન્ડરોમાં થયેલી ગેરરીતિઓ અંગે વિપક્ષ આક્રમક મૂડમાં છે. આ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણા રંગાણીના નિવાસસ્થાને સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પ પણ યોજાશે. જેમાં પંચાયતના સભ્યો, આગેવાનો અને અધિકારીઓ રક્તદાન કરશે. આમ કાલની અંતિમ સામાન્ય સભા બજેટ, વિરોધ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન બની રહેશે.