અનિલ અંબાણી અને તેમની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) વિરુદ્ધ CBIએ છેતરપિંડીનો નવો કેસ દાખલ કર્યો છે. તપાસ એજન્સીનો આરોપ છે કે અનિલ અંબાણી અને તેમની કંપનીએ વર્ષ 2013થી 2017ની વચ્ચે બેંક ઓફ બરોડા (BoB) સાથે 2,220 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે.
બેંકની ફરિયાદ મળ્યા બાદ CBIએ ગુરુવારે અનિલ અંબાણીના ઘર અને રિલાયન્સ કોમ્યુનિકેશનના કાર્યાલયો પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી લોન ટ્રાન્ઝેક્શન સંબંધિત ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આ પહેલા અનિલ અંબાણી આજે અન્ય એક કેસમાં ED સમક્ષ હાજર થયા હતા.
CBI અનુસાર બેંક ઓફ બરોડાની ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે. આરોપ છે કે રિલાયન્સ કમ્યુનિકેશન્સે બેંક પાસેથી લોન લીધી, પરંતુ તે પૈસાનો ઉપયોગ નિર્ધારિત કામ માટે કરવાને બદલે પોતાની જ બીજી કંપનીઓમાં (સંબંધિત પક્ષો) નકલી ટ્રાન્ઝેક્શન બતાવીને ડાયવર્ટ કરી દીધા. તપાસમાં સામે આવ્યું છે કે આ ગેરરીતિને કારણે બેંક ઓફ બરોડાને 2,220 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.