ગુજરાત સરકારે નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં કુપોષણ નિવારણ અને મહિલા અને બાળ વિકાસ માટે અધધધ કહી શકાય તેવી રૂ.7690 કરોડની જોગવાઈ કરી છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. રાજકોટ સહિતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં બાળકો, સગર્ભા બહેનો અને કિશોરીઓને પૂરતા પ્રમાણમાં ટેક હોમ રેશન અને નાસ્તો પૂરતા પ્રમાણમાં ન ફાળવાતો હોવાની સાથે જ જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ એનજીઓ કે, મંડળી દ્વારા મેનુ મુજબ નાસ્તો ન આપવામાં આવતો હોવાની ચોંકાવનારી ફરિયાદ ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા ભારતીય આંગણવાડી કમર્ચારી મહાસંઘે રાજ્યના મુખ્યમંત્રીને કરી અધિક જિલ્લા કલેક્ટરને સાત મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું.
શહેરમાં આંગણવાડીમાં ચાલતી લોલમલોલ મામલે ભારતીય આંગણવાડી કમર્ચારી મહાસંઘે અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સંગઠન મહામંત્રી ભાવિકાબેન ચાઉએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની ટેકો એપમાં આપવામાં આવેલી 50 ટકા માહિતી ખોટી છે. હાલમાં લાભાર્થીઓને પૂરક પોષણનો નાસ્તો અને ટીએચઆર એટલે કે, ટેક હોમ રેશન પૂરતા પ્રમાણમાં આપવામાં આવતા નથી.બીજી તરફ સરકાર તરફથી નાસ્તાના બિલ પૂરતા પ્રમાણમાં ચૂકવવામાં આવે છે તે શું સૂચવે છે, તેવો સવાલ ઉઠાવી જિલ્લા કક્ષાએ તેમજ કોર્પોરેશન કક્ષાએ મંડળી અને એનજીઓ દ્વારા મેનુ મુજબ નાસ્તો આપવામાં ન આવતો હોવાથી તમામ આંગણવાડીમાં બહેનો-હેલ્પરો દ્વારા જ નાસ્તો બનાવવાની જોગવાઈ કરવા માંગ કરી હતી.