રાજકોટમાં 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે અહીં વી.ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની પ્રજ્ઞાચક્ષુ બહેનો જુસ્સા સાથે આ પરીક્ષા આપવા માટે સજ્જ છે. અહીંની 8 બહેનો બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. ધો.10ની એક વિદ્યાર્થિની તુલસી કે જે 5 વર્ષની હતી ત્યારે તાવ આવ્યા બાદ તાણ આંચકી ઉપડવાને કારણે આંખોથી દેખાવવાનું બંધ થઈ ગયુ. આમ છતાં પણ આ દીકરીને પોતે કરેલી મહેનતના આધારે 70%થી વધુ માર્ક્સ આવે તેવી આશા છે અને ભવિષ્ય માટે ગુજરાતી વિષયની પ્રોફેસર બનવા માગે છે. જ્યારે ધો.12ની વિદ્યાર્થિની કરુણાબાનો આંખનો પડદો સૂકાઈ ગયો હોવાથી દ્રષ્ટિ ગૂમાવી દીધી છે, આમ છતાં પણ તે તનતોડ મહેનત કરી રહી છે અને ભવિષ્યમાં સરકારી અધિકારી બનવા માગે છે.
ધોરણ 10ની વિદ્યાર્થિની તુલસી દુધરેજીયાએ જણાવ્યું હતું કે, હું આ સંસ્થામાં છેલ્લા 10 વર્ષથી અભ્યાસ કરું છું. મારી ઉંમર હાલ 20 વર્ષ છે અને હું પાંચ વર્ષની હતી, ત્યારથી મને દ્રષ્ટિની ખામી થઈ ગઈ છે. તે વખતે મને ખૂબ જ તાવ આવ્યો હતો અને ત્યારબાદ તાણ આંચકી ઉપડી હતી અને તેને કારણે દ્રષ્ટિની ખામી થઈ ગઈ હતી. અમને કોઈ રેકોર્ડિંગ જોઇતું હોય તો દક્ષા મેડમ કરી આપે છે. મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલયમાં હું અભ્યાસ કરું છું અને ત્યાં અમારે દરરોજ તમામ વિષયોના લેક્ચર હોય છે, જેને લીધે આ પરીક્ષામાં 75થી ઉપર ટકા આવશે તેવી ધારણા છે.