જૂનાગઢના પવિત્ર ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિનો મેળો પૂર્ણ થયા બાદ પણ વિવાદો શાંત થવાનું નામ નથી લઈ રહ્યા. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરવાના વિવાદે જોર પકડ્યું છે, ત્યાં જ રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત અને અગ્રણી સંત ઇન્દ્રભારતી બાપુ સામે ગંભીર આક્ષેપો કરતી એક પત્રિકા સોશિયલ મીડિયામાં વાયુવેગ વાઇરલ થઈ રહી છે.
તો બીજી તરફ પત્રિકા વિવાદ વચ્ચે ગઈકાલે ભાલકા તીર્થ નજીક શ્રી નિરાલી ખોડિયા ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર બજરંગદાસ બાપુના ગંભીર આક્ષેપોને સમર્થન આપતા અમરગિરી બાપુએ પણ ઇન્દ્રભારતી બાપુ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, રૂદ્રેશ્વર જાગીરમાં જે સંચાલન છે એ એપસ્ટીનની ફાઈલ ખુલી એના કરતા પણ વધારે શોભાયમાન નથી.
અમરગિરી બાપુએ શિવરાત્રિ મેળા દરમિયાન મૃગીકુંડમાં ગૃહસ્થ વ્યક્તિઓના સ્નાનને લઈને ચાલી રહેલા વિવાદ પર પોતાનું મંતવ્ય આપ્યું હતું. તેમણે આ બાબતે બજરંગદાસ બાપુના નિવેદનને સમર્થન આપતા કહ્યું હતું કે, અત્યારે જે પ્રકારનો વિવાદ ચાલી રહ્યો છે તે કોઈપણ સાધુને શોભે નહીં. સાધુ સમાજે મર્યાદા જાળવવી જોઇએ તેવી ટકોર પણ તેમણે કહી હતી.