રાજકોટના 322 પરીક્ષા કેન્દ્ર પર પોલીસ-હોમગાર્ડની તૈનાતી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ તા.26મીથી શરૂ થવા જઈ રહી છે. પરીક્ષા દરમિયાન ગેરરીતિ, નકલપ્રવૃત્તિ અથવા અસામાજિક તત્ત્વોની દખલગીરી અટકાવવા માટે રાજકોટ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા કડક સુરક્ષા એક્શન પ્લાન અમલમાં મુકાયો છે. જેના ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારીએ બુધવારે પોલીસ કમિશનર કચેરીની મુલાકાત લીધી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 322 બિલ્ડિંગમાં પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા ગોઠવાઈ છે. તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે અને સતત મોનિટરિંગ થશે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે શહેર પોલીસ કમિશનર તથા જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી દરેક કેન્દ્ર પર એક પુરુષ પોલીસ જવાન, એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. સંવેદનશીલ કેન્દ્રોમાં વધારાની ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવશે.

ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા અચાનક નિરીક્ષણ હાથ ધરાશે. પરીક્ષાર્થીઓ નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું શિક્ષણ વિભાગે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *