દીપડાએ 2 પશુનું મારણ કર્યુ, ફોરેસ્ટ વિભાગે પાંજરુ મૂક્યુ

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે હિરાસરમાં અને ઇશ્વરીયા પાસેના મનહરપુર ગામમા દીપડાનો આતંક સામે આવ્યો છે. અહીં બંને જગ્યાએ દીપડાએ પશુનું મારણ કર્યુ છે. મનહરપુર ગામના પશુપાલકો દીપડાના ત્રાસથી ત્રાહીમામ પોકારી ચૂક્યા છે. તેમનો દાવો છે કે, છેલ્લા 8 દિવસના સમયમાં 7 જેટલા પશુઓનું મારણ કરવામાં આવ્યું છે. જોકે રાજકોટ ફોરેસ્ટ વિભાગના જણાવ્યા પ્રમાણે દીપડાએ બે જગ્યાએ પશુઓનું મારણ કર્યું છે અને તેના માટે એક પિંજરું મૂકવામાં આવ્યું છે.

મનહરપુર ગામના પિન્ટુભાઈ ગોહેલે જણાવ્યુ હતુ કે, અમે ફૂલનું વાવેતર કરીએ છીએ, જેથી અમારે અહીં દરરોજ ફૂલ ઉતારવાના હોય છે. પરંતુ છેલ્લા એક મહિનાથી અહીં દીપડાનો આતંક છે. અમારે દરરોજ ફટાકડા ફોડ્યા બાદ ફુલ ઉતારવા પડે છે. કલેકટર અને વન વિભાગને અમારી વિનંતી છે કે, દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે, જેથી અમારા સહિત તમામ વાડી વિસ્તારના લોકોનો ભય દૂર થાય.

આ ઉપરાંત અહીંના સ્થાનિક દિનેશભાઈએ જણાવ્યું હતું કે, અહીં દીપડાનો ખૂબ જ આતંક છે, જેને લીધે પશુપાલકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. આ ઉપરાંત વાડી વિસ્તારમાં કામ કરતા મજૂરો પણ ટકતા નથી. વિસ્તારમાં દિપડો ઘૂસી ગયો છે તો કોઈ માણસને મારી નાખશે તો તેનું શું કરવાનું? એક અઠવાડિયામાં સાતથી આઠ પશુઓનું મારણ કર્યુ છે. આજીડેમ-2 હેઠળની મનહરપુર સીમનો આ વિસ્તાર છે. હાલ દીપડા પશુઓનું મારણ કરી રહ્યા છે, જેથી વન વિભાગ તાત્કાલિક દીપડાને ઝડપે તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *