દેણું થતા પાડોશીના ઘરમાંથી ઘરેણાં અને 200 ડોલરની ચોરી

રાજકોટ શહેરમાં પહેલો સગો પડોશીની કહેવતને લાંછન રૂપ ઘટના સામે આવી છે. રાજકોટના પેડક રોડ પર રણછોડવાડી ગેઈટ નંબર 2માં શેરી નંબર 3માં રહેતા અને રેસ્ટોરન્ટ ધરાવતા ધવલભાઈ હરગણ (ઉ.વ.33)ના બંધ મકાનમાંથી પાડોશમાં જ રહેતા જયેશ ઉર્ફે ગટ્ટુ રાજેશભાઈ ગામીએ સોના-ચાંદીના દાગીના, રોકડ ઉપરાંત 200 ડોલરની ચોરી કરી હોવાની ફરિયાદ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી એક દારૂની બોટલ મળી આવતા અલગથી ગુનો નોંધી ચોરીમાં ગયેલ મુદામાલ રિકવર કરવા વધુ તપાસ હાથ ધરી છે.

પત્નીના ફોનમાં પાડોશીએ કોલ કરી ટિફિન બંધાવાની વાત કરી કુવાડવા રોડ પર રેસ્ટોરન્ટ ધરાવતા ધવલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના મોટા ભાઈ અને ભાભી આફ્રિકામાં રહે છે. ભાભી છેલ્લા દોઢેક મહિનાથી તેના ઘરે આવેલા છે. ગઈ તારીખ 9 ફેબ્રુઆરી 2026ના રોજ તેના ભાભી અને દાદી સુરત લગ્નમાં ગયા હતા. જ્યારે તે અને તેના પિતા રેસ્ટોરન્ટમાં હતા. સાંજે તેના પત્ની માતા અને પાડોશીઓ સાથે રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા હતા. આ સમયે તેની પત્નીના ફોનમાં પાડોશી જયેશે કોલ કરી ટિફિન બંધાવાની વાત કરી હતી. આ બાબતે શંકા જતાં તાત્કાલિક તેની પત્નીને ઘરે મોકલી હતી, ત્યારે જયેશ તેના મકાનના ફળિયામાં જોવા મળ્યો હતો. જો કે, કયા કારણથી આવ્યા તે બાબતે પૂછતા તેનો નંબર લેવા માટે આવ્યાનું કહ્યું હતું.

રૂ.7000 ચોર્યાની કબૂલાત કરી પરત આપ્યા આરોપી જયેશની વાત ગળે નહીં ઉતરતા પત્નીએ અલમારીમાં રાખેલ પર્સ ચેક કરતાં તેમાંથી રૂ.7000 ગાયબ હતાં. જે રકમ જયેશે ચોરી કર્યાની શંકા જતાં પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. જો કે જયેશે પોતાની ભૂલ થઈ ગઈ છે અને હાલ લગ્નની વાત ચાલુ હોવાથી ફરિયાદ નહીં કરવાની વિનંતી કરી રૂ.7000 પરત આપી દીધા હતા. બાદમાં ગઈ તા. 13 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે તેના ભાભીને ચોરી થયાની જાણ થતાં તેણે રૂમમાં માળિયામાં મૂકેલા થેલામાં પર્સ ચેક કરવા કહ્યું હતું. જેમાંથી સોનાના બે ચેન, ચાર વીંટી, ત્રણ જેન્ટસની વીંટી, પાટલા, ચાંદીની વીંટી, ચાંદીનો સિક્કો, રૂ. 8000 અને 200 ડોલર તેમજ ભાભીનો પાસપોર્ટ જોવા મળ્યો ન હતો. આ પછી પાડોશી જયેશે જ આ ચોરી કર્યાની શંકા જતા તેને બોલાવી પૂછપરછ કરતાં પોતે ચોરી કર્યાની કબૂલાત આપી હતી અને બેથી ત્રણ દિવસમાં તમામ ચોરી કરેલ મુદામાલ પરત આપી દેશે તેમ કહ્યું હતું પરંતુ પરત નહીં આપતા આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *