ગુજરાતમાં SIRની કામગીરીમાંથી શિક્ષકો હજી તો ફ્રી નથી થયા ત્યાં જ પોતાની શાળા અને આસપાસના વિસ્તારમાં રખડતા કૂતરાઓની ગણતરી માટે આદેશ કરાતા વિવાદ થયો છે. શિક્ષણ નિયામકે પરિપત્ર કરી શિક્ષકોને કૂતરા ગણવાની જવાબદારી સોંપાતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે. ગુજરાતમાં શિક્ષકોને શિક્ષણ સિવાયની સોંપાતી કામગીરીના કારણે શિક્ષણ પર અસર થતી હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠતી રહી છે. તેની વચ્ચે જ હવે રખડતા કૂતરાની ગણતરીના થયેલા આદેશથી નવો વિવાદ છેડાયો છે. કોંગ્રેસ આ પરિપત્ર રદ કરવાની માગ કરી છે.
નાયબ શિક્ષણ નિયામક દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાજ્યની તમામ સંસ્થાઓ જેવી કે હોસ્પિટલ, દવાખાના, શૈક્ષણિક સંસ્થા, બસ સ્ટેશન, રેલવે સ્ટેશનમાં કૂતરાઓની સંખ્યા અંગે સચોટ માહિતી રાખવી અનિવાર્ય છે. ત્યારે રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને આસપાસના વિસ્તારમાં રહેતા કૂતરાઓનો સર્વે કરવા આદેશ કરાયો છે.
ગુજરાતમાં શિક્ષકોને વધુ એક વાર શિક્ષણ સિવાયની કામગીરી સોંપાતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે, ગુજરાતમાં 3 હજાર શાળાઓ તો એવી છે કે જે એક જ શિક્ષકથી ચાલે છે. શિક્ષકોને શિક્ષણ સિવાય શૌચાલય ગણવા, ભીડ ભેગી કરવા, ચૂંટણીના કામ, SIRની કામગીરી સોંપાઈ રહી છે જેના કારણે શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. શિક્ષકોને પોતાના વિસ્તારમાં કૂતરાની ગણતરી માટે આદેશ કરાયો છે જેના કારણે વર્ગખંડમાં શિક્ષણ આપવાનો સમય જ નહીં મળે. ગુજરાતમાં શિક્ષકો સિવાય કોઈ છે જ નહીં કે જે આ કામગીરી કરી શકે? તાત્કાલીક આ પરિપત્ર રદ કરવામાં આવે.