અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના મોટા શહેરમાં ફ્લેટમાં રહેતા લોકો અને ઓફિસોમાં મોટાભાગે 20 થી 40 રૂપિયાના ભાવે મળતા પાણીના જગ મંગાવતા હોય છે. રાજકોટમાં વોટરના પ્લાન્ટ પરથી આરોગ્ય વિભાગે લીધેલા સેમ્પલ પૈકીના 55 સેમ્પલ અનસેફ જાહેર થતા પ્લાન્ટ સીલ કરવામાં આવ્યા છે. રાજકોટ આરોગ્ય વિભાગની આ કાર્યવાહીના પગલે વોટર બોટલમાં મળતા પાણીની શુદ્ધતાને લઈ સવાલ ઉઠ્યા છે. રાજકોટના અલગ અલગ વિસ્તારમાં કાર્યરત 250 જેટલા પાણીના પ્લાન્ટ પર તપાસ કરવાનો નિર્ણય કરાયો છે.
આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા પાણીજન્ય રોગચાળાને નિયંત્રિત કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં પાણીના જગનું વેચાણ કરતા 95 જેટલા એકમોમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 55 નમૂનાઓમાં બેક્ટેરિયાની હાજરી મળી આવતા તે ‘અનસેટિસફેક્ટરી’ જાહેર કરવામાં આવ્યા છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા અપ્રમાણિત 55 જેટલા પાણીના જગ વિતરકોના એકમો સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં 40થી વધુ એકમો સીલ કરવામાં આવ્યા છે. તો આગામી દિવસોમાં બાકી એકમો સીલ કરવામાં આવશે. રાજકોટમાં અંદાજે 250 જેટલા પાણીના જગ વિતરણ કારખાનાઓ છે, જેમના નમૂનાઓની સમયાંતરે તપાસ કરવામાં આવશે.