રાજકોટમાં 140 કિલો ચાંદીની ચોરીને કઈ રીતે અંજામ અપાયો?

રાજકોટ શહેરમાંથી થયેલી રૂ. 1.62 કરોડની કિંમતની 140 કિલો ચાંદી ચોરી કેસમાં પોલીસે મુખ્ય બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 2 લાખ રોકડા, ગુનામાં વપરાયેલી ક્રેટા અને ફોર્ચ્યુનગર કાર અને ચોરીમાં ગયેલી 30 કિલો ચાંદી કબજે કરી છે. રાજસ્થાનથી મુખ્ય આરોપી શૈલેન્દ્રસિંગ ઉર્ફે સેલસીંગ રાજપૂત રાજકોટમાં રહી રેકી કર્યા બાદ રતનસિંગ રાઠોડ સાથે મળી ચાંદી ચોરી અંગે પ્લાન બનાવ્યો હતો જેમાં તેને બોટાદના રાજુ ભોજકે મદદ કરી હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં ચોરી કર્યા બાદ મુદ્દામાલની બોટાદમાં ભાગબટાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ ચાર આરોપી ફોર્ચ્યુનર કારમાં અમદાવાદ નાશી છૂટ્યા હતા.

140 કિલો ચાંદી ચોરી કેસમાં પોલીસ અત્યાર સુધીમાં 4 આરોપીઓને ઝડપી ચૂકી છે જેઓ પાસેથી 110 કિલો ચાંદી મળી આવી છે. જ્યારે પાંચ આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે. મુખ્ય આરોપી સેલસીંગ, રતનસીંગ અને રાજુ ભોજક દારૂનો પણ ધંધો કરતા હોવાથી અગાઉથી તમામ એક બીજા સંપર્કમાં હતા અને તેના જ કારણે આવડી મોટી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરે 140 કિલો જેટલી ચાંદીની ચોરી અંગે ફરિયાદ નોંધાયા બાદ અલગ અલગ 8 ટિમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે ચોરીમાં સંડોવાયેલ મુખ્ય બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠાના રતનસિંગ રાઠોડ અને બોટાદના રાજુ ઉર્ફે રાજા ભોજકની ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી પોલીસે ચોરીમાં વપરાયેલા કાળા કલરની ક્રેટા કાર, રોકડ રૂપિયા બે લાખ 30 કિલો 540 ગ્રામ ચાંદી અને એક ફોર્ચ્યુનર કાર મળી કુલ 77.73 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીઓ પૈકી રતનસિંગ રાઠોડ વિરુધ્ધ 3 અને રાજુ ઉર્ફે રાજા વિરુધ્ધ 7 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *