રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના 700 બાળકો અને યુવાનો દવા અને ઇન્જેક્શન માટેનો પોકાર કરી રહ્યા છે. જોકે, તે અહીં ઉપલબ્ધ ન હોવાથી આજે કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. દૈનિક રૂ.632ની કિંમતના બે ઇન્જેક્શન જરૂરી હોવા છતાં સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષથી નથી. જ્યારે કેલફર દવાનો સ્ટોક બે મહિના હોય છો તે બે મહિના નથી હોતો, જેથી થેલેસેમિયાના દર્દીઓને પડતી ગંભીર મૂશ્કેલી દૂર કરવા માગ કરવામાં આવી હતી.
સિવિલમાં કેલ્ફર દવાનો અભાવઃ દર્દી રાજકોટના 29 વર્ષીય થેલેસેમિયા મેજર યુવાને જણાવ્યું હતું કે, હું ચાર વર્ષનો હતો, ત્યારથી મને બ્લડ ચડાવવામાં આવે છે. આયર્ન ફેરેટિનને રિલીઝ કરવા માટે અમુક દવાઓ જરૂરી હોય છે, જે ખૂબ જ મોંઘી આવે છે. જે દવા સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી, જેથી તે અંગે રજૂઆત કરવા માટે કલેક્ટર પાસે આવ્યા છીએ. સિવિલમાં કેલ્ફર દવાનો અભાવ રહે છે. જે દવા બે મહિના હોય તો બે મહિના નથી હોતી.
‘સિવિલ સુપ્રિટેન્ડેન્ટે ગાંધીનગર રજૂઆત કરવા કહ્યુ’ આ ઉપરાંત ડેસ્ફરાલ ઇન્જેક્શન આવે છે જે દરરોજના બે લેવાના હોય છે, જે રૂ.316 નું એક ઇન્જેક્શન આવે છે. આ પ્રકારના બે ઇન્જેક્શન રૂ.632ના આવે છે. દરરોજનો આટલો ખર્ચો મધ્યમ વર્ગને પોસાય તેમ નથી, જે છેલ્લા અઢી વર્ષથી સિવિલ હોસ્પિટલમાં નથી. આ બાબતે સિવિલ હોસ્પિટલમાં રજૂઆત કરવામાં આવતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે, આ દવા અમે મગાવી શકીએ એવી સત્તા નથી, જેથી તમે ગાંધીનગર રજૂઆત કરો.