ખાદ્યતેલના વેચાણ-વપરાશ સામે સ્પેશિયલ ડ્રાઈવ, 15 ધંધાર્થીઓને ત્યાં તપાસ કરી 18 નમૂના લેવાયા

રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરીજનોના આરોગ્યની જાળવણી માટે સમયાંતરે વિવિધ ખાદ્ય પદાર્થોનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જેના ભાગરૂપે, ફૂડ વિભાગની ટીમ દ્વારા તાજેતરમાં ખાદ્યતેલનું વેચાણ અને વપરાશ કરતા એકમો ઉપર સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ચેકિંગ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યતેલનું વેચાણ કરતા કુલ 15 જેટલા ધંધાર્થિઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ – 2006 હેઠળ નિયમોના ઉલ્લંઘન અને ગુણવત્તાની ચકાસણી માટે ખાદ્યતેલના કુલ 18 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા છે. નમુનાઓ હાલ લેબોરેટરીમાં મોકલાયા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ સાબિત થયે જે-તે વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઘણી ફરસાણની દુકાનોમાં એકવાર ઉપયોગમાં લેવાયેલા તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવતો હતો, જે આરોગ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ફૂડ વિભાગે મવડી, કોટેચાનગર, પેડક રોડ અને કૃષ્ણનગર જેવા વિસ્તારોમાં આવેલી જાણીતી ફરસાણની દુકાનોમાંથી ‘Used Cooking Oil’ ના લૂઝ નમૂનાઓ એકત્ર કર્યા છે. જેમાં હરભોલે ફરસાણ, યોગી ફરસાણ માર્ટ, શ્યામ ગૃહ ઉદ્યોગ, બજરંગ ફરસાણ, ભગવતી ફરસાણ અને જય બાલાજી ફરસાણ જેવા એકમોનો સમાવેશ થાય છે. આ નમૂનાઓને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેથી તેમાં રહેલા હાનિકારક તત્વોની વિગતો જાણી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *