રેલનગરની નવી આવાસ યોજનામાં ચેકિંગ કરતા મ્યુનિસિપલ કમિશનર

તાજેતરમાં શહેરની નવી નકોર આવાસ યોજનામાં ફ્લોરિંગ ટાઇલ્સ ઉખડી રહી હોવાનું તેમજ ભેજ આવતો હોવાની ફરિયાદ બાદ સોમવારે મ્યુનિસિપલ કમિશનરે મનપાના વિવિધ ચાલુ પ્રોજેક્ટની સ્થળ તપાસ કરી જરૂરી સૂચના આપી હતી. જેમાં રેલનગર વિસ્તારમાં નિર્માણાધીન આવાસ યોજનામાં ટાઈલ્સને ટકોરા મારી ચેક કરવાની સાથે વાયરિંગનું પણ બારિકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ માધાપર નજીક જી.એસ.આર. તથા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ન્યારા ખાતે અન્ડરગ્રાઉન્ડ સમ્પ અને જી.એસ.આર. પ્રોજેક્ટની પણ વિઝિટ કરી હતી.

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સોમવારે વોર્ડ નં.3માં રેલનગરમાં નવા બનતા આવાસની મુલાકાત લઇ ઇજનેરી ટીમને આવાસ યોજનાની કામગીરીમાં ગુણવત્તા સાથે બાંધછોડ નહીં કરવા કડક તાકીદ કરી હતી. ઉપરાંત ન્યારા ખાતે બની રહેલ 342.72 લાખ લિટરની ક્ષમતાનો અન્ડરગ્રાઉન્ડ સમ્પ, પમ્પહાઉસ તથા વિવિધ પ્રકારનું સિવિલ કામ, ઘંટેશ્વર નજીક બની રહેલા જી.એસ.આર. પ્લાન્ટ સાઈટની પણ મુલાકાત લઇ કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી.

રેલનગર ઇન્ટિગ્રેટેડ ઇન્ક્લુઝિવ પ્રકારની આવાસ યોજના મહાનગરપાલિકા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.119.05 કરોડના ખર્ચે રેલનગર વિસ્તારમાં EWS- II પ્રકારના 1010 આવાસ બનાવી રહી છે. ઇન્ટિગ્રેટેડ ઇન્ક્લુઝિવ પ્રકારની આ આવાસ યોજનામાં રૂફટોપ સોલાર સિસ્ટમ, ગેસ પાઈપલાઈન,ઓટો ડોર લિફ્ટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, બિલ્ડિંગ દીઠ ઓટો ડીજી જનરેટર સેટ્સ, રસોડામાં માર્બલ સેન્ડવીચ પ્લેટફોર્મ, તમામ બારીઓમાં એલ્યુમિનિયમ સેક્શન તથા ગ્રીલ, આંગણવાડી, શોપિંગ સેન્ટર સહિતની સુવિધા આપવામાં આવશે.

આવાસ લાભાર્થીના ચેકિંગ બાદ જ આવાસની સોંપણી આવાસ યોજનામાં ફ્લોરિંગ ટાઇલ્સ ઉખડી જવાની ઘટના બાદ સોમવારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા રેલનગરની આવાસ યોજનામાં વિશેષતઃ ટાઇલ્સનું ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે સિટી ઈજનેર પરેશ અઢિયાએ જણાવ્યું હતું કે, આવાસ યોજનામાં જ્યારે આવાસની સોંપણી થાય છે ત્યારે લાભાર્થી પાસે જ દરેક સુવિધા ચેક કરાવી ત્યાર બાદ બાંહેધરીપત્રક લઈને જ આવાસ સોંપણી થાય છે. સાથે જ આવાસ યોજનાની કામગીરી પૂર્ણ થાય ત્યારે પણ ચેકિંગ કરવામાં આવતું હોવાનું જણાવી આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ફ્લોરિંગ ટાઇલ્સ માટે વિશેષ ચેકિંગની સૂચના આપી હોવાનું તેમને જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *