આગામી તા.17 ફેબ્રુઆરીએ રાજ્યભરમાં SIR બાદ તૈયાર થયેલી મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ થનાર છે ત્યારે આજે નો-મેપિંગ અને લોજિકલ એરરવાળા મતદારોની સુનાવણી પૂર્ણ કરવાનો આખરી દિવસ છે. જોકે રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાં SIR બાદ સમાવિષ્ટ 20.55 લાખથી વધુ મતદાર પૈકી 6.25 લાખથી વધુ મતદારના વેરિફિકેશનની કામગીરી માટે પુરાવા મેળવી લીધા હોય સાંજ સુધીમાં 7000 મતદારનું જ વેરિફિકેશન બાકી રહેતું હોવાથી સોમવારે રાત્રિના 12 પહેલા કામગીરી પૂર્ણ કરી લેવાશે તેવું ચૂંટણી વિભાગે જાહેર કર્યું હતું.
રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાં SIR પ્રક્રિયા દરમિયાન 23,91,027 મતદારને ગણતરી ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા. જે પૈકી 3,35,670 મતદાર ગેરહાજર, સ્થળાંતર અને મૃત કેટેગરીમાં હોવાનું સામે આવતા SIR બાદ તૈયાર થયેલી મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિમાં 20,55,357 મતદારનો સમાવેશ કરાયો હતો. SIR પ્રક્રિયા બાદ જિલ્લામાં 20,55,357 મતદાર રહ્યા છે. જે પૈકી 6,25,787 મતદાર નો-મેપિંગ અને લોજિકલ એરરવાળા હોવાથી મતદારો પાસેથી પુરાવા મેળવી સુનાવણી હાથ ધરી હતી. ચૂંટણી તંત્રે પંચની સૂચના મુજબ વેરિફિકેશનની 100 ટકા કામગીરી પૂર્ણ કરી હોવાનો દાવો કર્યો હતો. તથા SIR પ્રક્રિયા બાદ જિલ્લાની આઠ બેઠકમાં 29 હજારથી વધુ નવા મતદારોએ નામ ઉમેરવા અરજી કરી છે.