યશરાજ ફિલ્મ્સની ‘સૈયારા’થી ચર્ચામાં આવેલી અનીત પડ્ડા અને ‘મર્દાની 2’ તથા ‘હોમબાઉન્ડ’થી ઓળખ બનાવી ચૂકેલા વિશાલ જેઠવા ઝડપથી મોટા બેનર્સની પહેલી પસંદ બનતા જઈ રહ્યા છે. હવે આ બંને કલાકારો પહેલીવાર મેડૉક ફિલ્મ્સના હૉરર-કૉમેડી યુનિવર્સમાં એકસાથે જોવા મળવાના છે. દિનેશ વિજન અને અમર કૌશિકના સુપરહિટ યુનિવર્સમાં આગામી પ્રસ્તુતિ ‘શક્તિ શાલિની’ હશે. સૂત્રો અનુસાર, આ ફિલ્મ અનીતને એક મહિલા-પ્રધાન સુપરનેચરલ પાત્રમાં રજૂ કરશે, જ્યારે વિશાલ તેમના લવ ઇન્ટરેસ્ટની ભૂમિકા ભજવશે. જોકે આ સંબંધ માત્ર રોમાન્સ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ કહાનીને નૈતિક ઊંડાણ અને ભાવનાત્મક આધાર પણ આપશે.
કિયારાના હટ્યા બાદ અનીતને કાસ્ટ કરાઈ
ઓક્ટોબર 2024 સુધી આ પ્રોજેક્ટ સાથે કિયારા અડવાણીનું નામ જોડાયેલું હતું, પરંતુ હવે ફિલ્મ અનિતના ખાતામાં છે. માર્ચ 2026 થી શૂટિંગ શરૂ થવાની સંભાવના છે. ‘શક્તિ શાલિની’ને ‘મુંજ્યા’ ફેમ આદિત્ય સરપોતદાર ડિરેક્ટ કરશે. આ ફિલ્મ ચંબલ અને આસપાસની લોકકથાઓ પર આધારિત હશે. જ્યાં ‘સ્ત્રી’માં રહસ્ય અને ‘મુંજ્યા’માં શરારત હતી, ત્યાં આ વખતે ફોકસ હાઈ-ઓક્ટેન એક્શન અને દૈવી શક્તિઓ પર હશે. અનિતનું પાત્ર એક એવી યુવતીનું છે, જેને ધીમે ધીમે પોતાની અસાધારણ શક્તિઓનો અહેસાસ થાય છે.
‘સલામ વેંકી’માં બંને સાથે કામ કરી ચૂક્યા છે
સૂત્રો અનુસાર, વિશાલનું પાત્ર વાર્તામાં એક ખાસ સંતુલન લાવતું જોવા મળશે. અનિત અને વિશાલ આ પહેલા કાજોલ સ્ટારર ‘સલામ વેંકી’માં સાથે કામ કરી ચૂક્યા છે, પરંતુ ત્યાં બંનેનો ઓછો રોલ હતો, પરંતુ ‘શક્તિ શાલિની’માં તેમને પહેલીવાર પૂરી જગ્યા મળશે. વિશાલ માટે પણ આ એવી ફિલ્મ હશે, જ્યાં તે લીડ હીરો છે. આ જોડીનું કોમ્બિનેશન એવું છે કે એક તરફ ઉભરતું સ્ટારડમ છે તો બીજી તરફ મજબૂત અભિનય.