અમદાવાદમાં રહેતા પરિવારના પુત્રના ઓસ્ટ્રેલિયામાં પીઆર કરી દેવાની અને પરિવારની સમસ્યા તાંત્રિકવિધિથી દૂર કરી દેવાની ખાતરી આપી રૂ.24.23 લાખ પડાવવાના ગુનામાં ધરપકડ બાદ જેલ હવાલે થયેલા તાંત્રિકે વાગુદડના યુવકના લગ્નજીવનમાં ભંગાણ કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, તાંત્રિકની ચઢામણીથી યુવકની પત્ની દોઢ વર્ષથી પિયરથી પરત આવી નથી અને પતિ સામે ભરણપોષણનો દાવો કર્યો છે.
વાગુદડ રહેતા રૂત્વિક રાકેશભાઇ દેસાઇ (ઉ.વ.25)એ ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, તેના લગ્ન મવડી વિસ્તારમાં રહેતી જાનકી ભાવેશભાઇ સોરઠિયા સાથે વર્ષ-2023માં થયા હતા, હાલમાં તેને સવા વર્ષનો પુત્ર હિયાન છે.
દોઢેક વર્ષ પહેલા પત્ની જાનકી સગર્ભા થઇ ત્યારે રિવાજ મુજબ પ્રસૂતિ માટે તેને પિયર મોકલવામાં આવી હતી અને પુત્ર હિયાનનો જન્મ થયો હતો, ત્યાં સુધી તેમનું લગ્નજીવન સુખથી ચાલતું હતું, પરંતુ પત્ની જાનકી પિયર ગઇ ત્યારે ત્યાં તેના માતા પ્રભાબેન ઉર્ફે શોભનાબેન સોરઠિયાનો સંબંધી કથિત તાંત્રિક ગુંદાવાડીમાં રહેતો સતીશ રામજી ધામી પરિચયમાં આવ્યો હતો.
પત્ની અને પુત્રને મળવા રૂત્વિક ત્યાં જતો હતો ત્યારે ત્યાં હાજર તાંત્રિક સતીશ કહેતો હતો કે, ‘તમારા પગમાં ડાઘ છે, ઊંધુ સુવાની ટેવ છે’, જંગલમાં વિધિ કરવાથી તમારી તમામ સમસ્યા દૂર થશે.