રાજકોટ મનપા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રાજમાર્ગો અને આંતરિક રસ્તાઓના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. જોકે, આજે કામની ગુણવત્તામાં કોઈપણ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં એવો સ્પષ્ટ સંકેત મ્યુનિસિપલ કમિશનરે આપ્યો છે. આજે મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ વોર્ડ નં. 11માં આવેલા ભીમનગર ચોક વિસ્તારની અચાનક મુલાકાત લેવામાં આવી હતી. આ ઓચિંતી તપાસ દરમિયાન ડામર કામગીરીમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓ અને બેદરકારી સામે આવી હતી.
જેને લઈને મ્યુ. કમિશનરે તત્કાલ જવાબદાર કોન્ટ્રાક્ટર એજન્સી પ્રદીપ કન્સ્ટ્રક્શનને ડિબાર કરવા તેમજ આ કામના સુપરવિઝનમાં બેદરકારી રાખનાર એન્જિનિયર અને ફિલ્ડ એન્જિનિયરને પણ શો-કોઝ નોટિસ ફટકારી શિસ્ત ભંગના પગલાં લેવાની સૂચના આપી છે.
મ્યુ. કમિશનરે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ભીમનગર ચોકમાં તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, ડામર રોડ બનાવવાની પ્રક્રિયામાં નિર્ધારિત કરેલા ટેકનિકલ માપદંડોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું. પોતે સ્થળ પર જઈને ડામરની જાડાઈ, રોડની સપાટીનું ફિનિશિંગ અને કામમાં વપરાયેલા મટિરિયલની ગુણવત્તાની ચકાસણી કરી હતી. પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું હતું કે, ડામરનું સ્તર નક્કી કરેલા સ્પેસિફિકેશન મુજબ નહોતું, જે ભવિષ્યમાં રોડના આયુષ્ય પર માઠી અસર કરી શકે તેમ હતું. આ પ્રકારની બેદરકારીને કારણે પ્રદીપ કન્સ્ટ્રક્શનને મહાનગરપાલિકાની યાદીમાંથી ડિબાર (કાળી યાદીમાં મૂકવા) કરવા માટે કેમ કાર્યવાહી ન કરવી તેવો ખુલાસો માંગતી નોટિસ આપવામાં આવી છે.