શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર નિયામક, રોજગાર અને તાલીમની કચેરી, ગાંધીનગર તથા આઈ.ટી.આઈ. જસદણ, મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી-રાજકોટ અને કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સરકારી આર્ટ્સ & કોમર્સ કોલેજ, જસદણ ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને રોજગાર અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
આ તકે જસદણ પ્રાંત અધિકારી આર.આર. ખાંભરા, કૌશલ્ય યુનિવર્સિટી ગાંધીનગરના એ.બી જોશી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વી.વી.જારીયા, વી.સી.ચાવડા, આઈ.ટી.આઈના પ્રિન્સિપાલ હિનાબેન વિઠલાણી, વિછીયા આઈ.ટી.આઈના પ્રિન્સિપાલ વાઘમશી, રોજગાર કચેરીના રાજેશ ચૌહાણ અને હાર્દિક મહેતા, ગવર્નમેન્ટ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ભાવેશ ગાંગાણી, ગુજરાતીના પ્રોફેસર નેહલ જાની શાળાના પ્રિન્સિપાલ વીરજી હાંડા સહિત શાળા-કોલેજના શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન મોદીના વિઝન હેઠળ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નવુ ગુજરાત તૈયાર થઈ રહ્યું છે. જે અંતર્ગત ગુજરાતના યુવાનો નવી સ્કિલ શીખીને વૈશ્વિક કક્ષાએ સ્પર્ધા કરી રહ્યા છે. આજનો યુવાન જોબ સીકર્સ નહીં, પણ જોબ ગિવર બને તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે.
યુવાનો ઉચ્ચ અભ્યાસ કરીને વહીવટી ક્ષેત્રોમાં પણ આગળ વધે તે માટેની સગવડ જસદણ વિંછીયા વિસ્તારોમાં કરવામાં આવી રહી છે. તેમજ મહત્તમ રોજગારી મળે તે માટે યુવાનોને તમામ ક્ષેત્રોનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.