બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર બુધવારે 3 દિવસના ચીન પ્રવાસે પહોંચ્યા. છેલ્લા 2 મહિનામાં 5 પશ્ચિમી દેશોના નેતાઓ ચીન જઈ ચૂક્યા છે. સ્ટાર્મર પહેલાં ફ્રાન્સ, કેનેડા, ફિનલેન્ડ અને આયર્લેન્ડના નેતાઓ બેઇજિંગની મુલાકાત લઈ ચૂક્યા છે.
આવા સંજોગોમાં એવા સવાલો ઉઠી રહ્યા છે કે શું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની ધમકીઓએ પશ્ચિમી દેશોને ચીન સાથે સંબંધો સુધારવા મજબૂર કર્યા છે.
યુનિવર્સિટી ઓફ સિડનીના આંતરરાષ્ટ્રીય રાજકારણ અને અમેરિકી ઇતિહાસના નિષ્ણાત ડો. સ્ટુઅર્ટ રોલોકાએ કહ્યું કે ટ્રમ્પની આક્રમક નીતિઓના કારણે વૈશ્વિક સંતુલન બદલાઈ રહ્યું છે.
ધ ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ દ્વારા NATO પર સવાલ ઉઠાવવા, ગ્રીનલેન્ડ પર કબજાની માંગ અને ગઠબંધનની અવગણના કરવાના વલણે યુરોપિયન સહયોગીઓમાં વિશ્વાસનો અભાવ પેદા કર્યો છે. આમાં ટ્રમ્પની ટેરિફ ધમકીઓની સૌથી મોટી ભૂમિકા છે.
યુરોપના ટેક્સ ફાઉન્ડેશનના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે દુનિયાભરના દેશો પર સરેરાશ 10 થી 25% સુધી ટેરિફ લગાવ્યો છે. આનાથી વેપારમાં અનિશ્ચિતતાનો ખતરો વધી ગયો છે.
યુરોપિયન દેશો પર લાગેલા 15% ટેરિફની અસર સીધી રીતે ફ્રાન્સ અને જર્મની પર પડી છે. ટેરિફે આ દેશોમાં નાણાકીય સંકટ અને આર્થિક મંદીની આશંકા વધારી દીધી છે.
ટ્રમ્પે આ મહિને યુરોપના 8 દેશોને 10% વધારાનો ટેરિફ લગાવવાની ધમકી આપી હતી. આ દેશો ગ્રીનલેન્ડ પર અમેરિકી કબજાનો વિરોધ કરી રહ્યા હતા. જોકે, ટ્રમ્પે બાદમાં પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો.