સિવિલમાં 12 કરોડની દવા સહિતની ખરીદીમાં ટેન્ડરનો ખેલ

ગત નાણાકીય વર્ષમાં દવા ખરીદીમાં ગરબડ ગોટાળા મામલે ગાંધીનગર સુધી પડઘા પડ્યા બાદ અંતે રાજકોટ સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા ત્રણેક વર્ષ બાદ દવા, ઇન્જકેશન, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અને ડિસ્પોઝેબલ આઈટમ, લેબોરેટરી અને એક્સ-રે સહિતની વિવિધ આઇટમની રૂ.12 કરોડની ખરીદી માટે અલગ-અલગ છ ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જોકે સિવિલ સત્તાવાળાઓએ પ્રસિદ્ધ કરેલા આ ટેન્ડરમાં દવા, ઇન્જેક્શન સહિતની આઇટમોની સપ્લાય માટે ઇન્ડિયન એફડીએ ઉપરાંત અમેરિકન એફડીએ એટલે કે, ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન સ્ટાન્ડર્ડ ફરજિયાત બનાવી છે. જોકે આવી શંકાસ્પદ શરતો જોતા આ ટેન્ડર કોઈ માલદાર પેઢી-વ્યક્તિ જ લાયક બને તે માટે રાખવામાં આવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ દ્વારા તા.23 જાન્યુઆરીના રોજ દવા, ઇન્જેક્શન, સર્જિકલ આઈટમ, ઓર્થોપેડિક આઈટમ, સર્જિકલ ઈન્સ્ટ્રુમેન્ટ, લેબોરેટરી અને એક્સ-રે આઇટમોની ખરીદી માટે રૂપિયા 12 કરોડના મૂલ્યના અલગ અલગ 6 ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. જેમાં દવા, ઇન્જેક્શન, અને અન્ય પરચૂરણ આઇટમો માટે રૂ.2 કરોડના મૂલ્યની ખરીદી માટે આકરી જોગવાઈઓ રાખવામાં આવી છે.

ખાસ કરીને દવા-ઇન્જેક્શન સપ્લાયના ટેન્ડરમાં ઇન્ડિયન એફડીએ અને અમેરિકન એફડીએની જોગવાઈ રાખી હોય લોકલ સપ્લાયરો આ ટેન્ડરની શરતમાંથી બહાર નીકળી જાય તેવી શક્યતા છે. સાથે જ ટેન્ડરની ઇએમડી કુલ ટેન્ડરના 3 ટકા મુજબ રાખવાને બદલે 5 ટકા રાખી 2 કરોડના ટેન્ડરની ઇએમડી 10 લાખ રૂપિયા રાખવામાં આવી છે. સાથે જ દવા, સર્જિકલ આઈટમ, લેબોરેટરી અને એક્સ-રે માટેની આઈટમ સપ્લાયમાં કોઈ નવા એમએસએમઈ ભાગ જ લઈ ન શકે તેવી શરતરૂપે ત્રણ વર્ષના રિટર્ન માગવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, જીએમસીએલ દવા સપ્લાય ન કરે તો જ આ દવાઓની ખરીદી આગામી બે વર્ષ માટે કરવામાં આવશે તેવું પણ સ્પષ્ટ કરાયું છે.

એક જ પાર્ટમાં દવા ટેન્ડરને કારણે વધુ સપ્લાયર નહીં આવી શકે મેડિકલ ક્ષેત્રના અનુભવી લોકોના જણાવ્યા મુજબ દવા-ઇન્જેક્શનના ટેન્ડરમાં અલગ-અલગ પાર્ટ કરવામાં આવે તો અનેક સપ્લાયરો મેદાનમાં આવી શકે. જોકે સિવિલ સત્તાવાળાઓએ 2000 જેટલી દવાઓ-ઇન્જેક્શન માટે રૂ.2 કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ કર્યું છે. જેમાં અલગ -અલગ સાત પાર્ટ કરવામાં આવ્યા છે, પરંતુ તમામ પાર્ટમાં ઇએમડી દસ લાખ જ છે, જેથી કોઈ સપ્લાયર પાંચથી પંદર આઈટમ સપ્લાય કરવા માગતા હોય તેમને પણ 10 લાખની ઇએમડી ભરવી પડે અને 200 આઈટમ સપ્લાય કરનારને પણ દસ લાખ ઇએમડી ભરવી પડે. જો આ જ બે કરોડના ટેન્ડરને પાંચ પાર્ટમાં વિભાજિત કરી રકમ ઘટાડવામાં આવે તો વધુ સપ્લાયર મેદાનમાં આવી હરીફાઈ થાય તેવા ભાવ આપી શકે.આ પ્રકારના ટેન્ડરથી કોઈ મોટા સપ્લાયર ટેન્ડર મેળવી લઈ બાદમાં અન્યો પાસેથી દવા ખરીદી ઉંચા ભાવે માલ પૂરો પાડે તેવું પણ બની શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *