ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલ વનડે મેચની શ્રેણી પૂર્ણ થતા 5 દિવસ બાદ ભારતીય ટીમના કેપટન શુભમન ગિલ ફરી રાજકોટ આવી પહોંચ્યા છે. આજરોજ 20 જાન્યુઆરીએ વહેલી સવારે રાજકોટ એરપોર્ટ પર ગીલનું આગમન થતા એરપોર્ટ ખાતે એરપોર્ટના કર્મચારીઓએ કેપ્ટન શુભમન ગિલ સાથે ફોટા પડાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગત તારીખ 12 જાન્યુઆરીના રોજ ભારતીય ટીમ રાજકોટ આવી 3 દિવસ રોકાણ કર્યા બાદ 15 જાન્યુઆરીના રોજ પરત ઇન્દોર ત્રીજી વનડે મેચ રમવા પહોંચી હતી અને હવે ગુરુવારથી રણજી ટ્રોફીની મેચ શરૂ થવા જઈ રહી છે જેમાં સૌરાષ્ટ્ર સામે પંજાબ ટીમ તરફથી રમવા માટે શુભમન ગિલ રાજકોટ પહોંચ્યા છે.
ટીમ ઈન્ડિયાના વન-ડે કેપ્ટન શુભમન ગિલ અને ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ગુરૂવારથી રાજકોટમાં શરૂ થઈ રહેલી રણજી ટ્રોફીની મેચમાં આમને-સામને રમશે. ગુરૂવારથી નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે પંજાબ અને સૌરાષ્ટ્ર ટીમ વચ્ચે રણજી ટ્રોફીની મેચ શરૂ થઈ રહી છે.
પંજાબ તરફથી શુભમન ગિલ રમશે જેમાં પંજાબ તરફથી રમવા માટે શુભમન ગિલ રાજકોટ આવી પહોંચ્યા છે અને પ્રેક્ટિસ કર્યા બાદ ગુરુવારે મેચ રમવા મેદાન પર ઉતરશે. અત્યાર સુધી આ વખતની સીઝનની એક પણ રણજી ટ્રોફી મેચ ગિલ રમ્યો નથી. તેનો પાછલો મુકાબલો ગત સીઝનમાં કર્ણાટક વિરુદ્ધ થયો હતો.