RSSના સરસંઘચાલક ડો.મોહન ભાગવત રાજકોટની મુલાકાતે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવત સૌરાષ્ટ્રની મુલાકાતે આવી પહોંચ્યા છે, જ્યાં આજરોજ તેઓ રાજકોટમાં સેવાભારતી ભવન ખાતે આવી સૌરાષ્ટ્ર-કચ્છના યુવાનો સાથે સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને યુવાનોને RSS અંગે માહિતી આપી પંચ પરિવર્તનના વિષયો થકી કાર્યો કરી દેશહિતમાં યોગદાન આપવા લોકોને અપીલ કરી હતી. આ સાથે જ સંઘને સમજવા માટે વિકિપીડિયા નહિ પરંતુ, સંઘ સાહિત્યને વાંચી અને સંઘમાં જોડાઈ સંઘને જાણવા પ્રયાસ કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લઈ માતૃશક્તિ જાગરણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

યુવાનોને સંબોધતા ડો. મોહન ભાગવતે કહ્યું હતું કે, આજે સંઘ શું છે એ સમજવા ઘણા લોકો પ્રયાસ કરી રહ્યા છે. સંઘને સમજવું હોય તો સંઘમાં આવવું પડે લોકો વિકિપીડિયામાં સર્ચ કરી સંઘને વાંચી રહ્યા છે પરંતુ, સંઘને વાંચવા માટે સંઘ સાહિત્ય વાંચવુ જોઈએ. યુવાનો વિવિધ ક્ષેત્રે દેશ માટે કામ કરી રહ્યા છે ત્યારે દેશ શું છે? તેની સ્પષ્ટ કલ્પના મનમાં હોવી જોઈએ. પંચ પરિવર્તનના વિષયો થકી કાર્યો કરી દેશહિતમાં યોગદાન આપવું જોઈએ. ભૂતકાળમાં આવો સ્પષ્ટ ખ્યાલ મનમાં ન હોવાથી દેશ ગુલામ બન્યો હતો. આપણો દેશ ચૈતન્યમય છે આપણે તેને ભારત માતા કહીએ છીએ. તે કોઈ જમીનનો ભાગ માત્ર નથી તેનું વિભાજન ન થઈ શકે, તે ભાવ સાથે જોડાયેલો છે.

સંઘના સ્થાપક ડૉ. હેડગેવાર દ્વારા સંઘની સ્થાપના પૂર્વે થયેલા મનોમંથનનો ઉલ્લેખ કરીને તેમણે સંઘની સ્થાપનાની પૂર્વભૂમિકા સ્પષ્ટ કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું કે, સંપૂર્ણ હિન્દુ સમાજને સંગઠિત કરવાના લક્ષ્ય સાથે સંઘ કાર્યરત છે. જેમ બ્રિટનમાં બ્રિટિશ, અમેરિકામાં અમેરિકન તેમ હિન્દુસ્તાનમાં રહેનારા હિન્દુ છે. ભારત અને હિન્દુસ્તાન બંને અલગ નથી, એક જ છે, ભારત એ સ્વભાવ છે. હિન્દુ એ સ્વભાવ છે. હળીમળીને સાથે એકતાથી ચાલવાનો સ્વભાવ એ હિન્દુ છે. આપણી ભાવના વસુધૈવ કુટુમ્બકમની રહી છે. સનાતન, ભારતીય, ઈન્ડિક, આર્ય, હિન્દુ બધા સમાન નામો છે. પણ હિન્દુ શબ્દ સરળ છે અને સહેલાઈથી સમજી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *