રાજકોટના પડધરી તાલુકાના ફતેપર ગામની સીમમાં રાજુભાઈની વાડીએ રહેતા મૂળ ઉત્તર પ્રદેશના વતની કનિયા ગુલાબસીંગ બામણીયા (ઉં.વ.25)એ ગઈકાલે રાત્રે 11 વાગ્યાં આસપાસ વાડીએ ઝેરી દવા પી લેતા પરિવારજનોએ બેભાન હાલતમાં પ્રથમ પડધરી સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અહીં ઇમરજન્સી વિભાગમાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. પડધરી પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન મૃતકને સંતાનમાં ત્રણ બાળકો હોવાનું સામે આવ્યું છે. અગાઉ કનિયાને પગમાં ઈજા થઈ હતી જેની સારવાર ચાલુ હતી. લાંબા સમય સુધી દવા લીધી છતાં પગમાં રૂઝ આવતી ન હતી અને દુ:ખાવો સહન થતો ન હતો જેનાથી કંટાળી આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત વિજય ધનજીભાઈ કુંવારીયા (ઉં.વ.28) ગઈ તા. 11 જાન્યુઆરી 2026ના રોજ રાત્રીના સમયે ખોખડદળ પુલ અને હુડકો ચોકડી વચ્ચે કોઠારીયા રોડ પરથી અકસ્માત સબબ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પુછપરછ દરમિયાન મૃતક મજૂરી કામ કરતો હોવાનું અને અપરણિત હોવાનું સામે આવ્યું છે. તે ખોખડદળ મેલડી માતાજીના મંદિરે દર્શને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો.
એફ.આર.પી મેવોલ કવરની ખરીદીના નામે છેતરપિંડી રાજકોટના મવડી ચોક પાસે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતાં ગૌતમભાઈ મગનભાઈ રામાણી (ઉ.વ.38)એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અને તેમનો ભાઈ ચિરાગ કારખાને હતા ત્યારે અજાણ્યા નંબર પરથી ચિરાગને વોટ્સએપ કોલ આવ્યો હતો અને કહ્યું કે, હુ કાઠમાંડુ (નેપાળ)થી વિશાલ પટેલ બોલું છું, અમે દરેક દેશમાં એફ.આર.પી. મેવોલ કવરની સપ્લાય કરીએ છીએ તમે એફ.આર.પી, મેવોલ કવર બનાવો છો, અમારે દર મહીને 20થી 22 ગાડી સપ્લાયની જરૂરીયાત છે, અમે તમારી પાસેથી એફ.આર.પી, મેવોલ કવર ખરીદ કરવા માંગીએ છીએ. જેથી મોટી સપ્લાય કરવાથી ધંધાને વેગ મળે તેમ વિચારી હા પાડી હતી.