શહેરમાં વધુ એક બંગાળી કારીગરે સોની બજારના વેપારીનું લાખોનું સોનું ચોરી કરી લેતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. સોનાના દાગીના મજૂરો પાસે બનાવડાવવાનું કામ કરતાં આહીર યુવા વેપારી બાર વર્ષ પહેલા સુરતમાં જ્વેલર્સમાં નોકરી કરતાં હોય ત્યાં આ બંગાળી કારીગર પણ નોકરી કરતો હોય પરિચય થયો હતો. આઠ વર્ષ સુધી કોઇ સંપર્ક નહોતો.
દરમિયાન આ કારીગર અચાનક રાજકોટ આ વેપારીના કારખાને આવ્યો અને પોતે હાલ રામનાથપરામાં રહે છે અને કામની જરૂર છે તેમ કહી કામ પર લાગ્યો હતો. જો કે કામ પર લાગ્યાના ચોથા જ દિવસે વેપારી યુવાન તિજોરીમાં ચાવી ભૂલી ગયા હોય અને ઉપરના ઘરમાં નાસ્તો કરતાં હોય ત્યારે આ કારીગર રૂ.36.51 લાખનું સોનુ ચોરી ભાગી ગયો હતો.
એ-ડિવિઝન પોલીસે સોની બજાર દરબારગઢ ચોક ઘેલા રામજીવાળી શેરીમાં રહેતાં અને ઘરની નીચેના ભાગે જ માણેક ગોલ્ડ કાસ્ટિંગ નામના કારખાનામાં બેસી સોનાના દાગીનાનું કામ કરતાં કલ્પેશભાઇ મથુરભાઇ કાતરિયા-આહીર (ઉ.વ.34)દ્વારા નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મૂળ પશ્ચિમ બંગાળ હુગલીના તાડકેશ્વરના અક્ષય બાઉળીનું નામ આપ્યું હતું.
કલ્પેશભાઇ કાતરિયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે દાગીના બનાવવા માટે ત્રણ કારીગર રાખ્યા છે. બારેક વર્ષ પહેલા પોતે સુરત અમર જ્વેલર્સ ફેક્ટરીમાં નોકરી કરતો હતો. ત્યારે ત્યાં પશ્ચિમ બંગાળનો અક્ષય બાઉળી પણ નોકરી કરતો હોય જેથી તેની સાથે યુવકનો પરિચય થયો હતો. બાદ પોતે છેલ્લા આઠ-નવ વર્ષથી તેના ઘરે ગ્રાઉન્ડ ફલોરમાં સોનાના દાગીના બનાવવાનું કામ કરું છું.
ગત તા.01/10/2025ના રોજ અચાનક જ અક્ષય ભાઉળી તેના કારખાને આવેલ અને કામે રાખવાનું કહેતા તેણે તેને દાગીના બનાવવાના કામે રાખ્યો હતો. બાદ તા.04/10/2025ના રોજ રાબેતા મુજબ સવારના નવેક વાગ્યે પોતે પોતાનું કારખાનું ખોલ્યું હતું.