રાજકોટ શહેરમાં પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણમુક્ત પરિવહન સેવાને વેગ આપવા માટે મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં ઇલેક્ટ્રિક સિટીબસની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને શહેરના પ્રજાપતિ ચોક પાસે રૂ. 25 કરોડના અંદાજિત ખર્ચે નવું અને અત્યાધુનિક ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર રીતે ટેન્ડર જાહેર કરી દેવામાં આવ્યા છે. આ નવું સ્ટેશન તૈયાર થવાથી શહેરમાં ચાલતી ઇલેક્ટ્રિક બસોના સંચાલનમાં મોટી રાહત થશે. આ સાથે જ જાહેર પરિવહન સેવા વધુ ઝડપી બનશે.
મનપા દ્વારા આ ચાર્જિંગ સ્ટેશન માટે પ્રજાપતિ ચોક પાસે 20092 સ્કવેર મીટરનો વિશાળ પ્લોટ ફાળવવામાં આવ્યો છે. આ સ્ટેશનની વિશેષતા એ હશે કે, તેમાં એકસાથે 100 સિટીબસ ચાર્જ થઈ શકે એવી ક્ષમતા વિકસાવવામાં આવશે. હાલમાં રાજકોટમાં અમૂલ સર્કલ પાસે એક ચાર્જિંગ સ્ટેશન અને અટલ સરોવર નજીક એક ચાર્જિંગ સ્ટેશન કાર્યરત છે. આ બંનેની મળીને કુલ ક્ષમતા 150 બસ ચાર્જ કરવાની છે. હાલ શહેરમાં 150 ઇલેક્ટ્રિક અને 100 CNG બસો સેવામાં રાખવામાં આવી છે પરંતુ, ભવિષ્યમાં ઇલેક્ટ્રિક સિટીબસની સંખ્યા વધવાની છે.
જેને ધ્યાનમાં રાખીને અત્યારથી જ નવા ચાર્જીગ સ્ટેશનના નિર્માણની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ સ્ટેશન બન્યા બાદ 150 બસોને ચાર્જ કરવા માટે 250ની કેપેસિટીનાં 3 ચાર્જીગ સ્ટેશન થતા લાંબો સમય રાહ જોવી પડશે નહીં અને બસોનું સંચાલન વધુ ઝડપી બનશે.