રાજકોટ સિવિલમાં ત્રણ વર્ષથી થેલિસિમિયાના ડેસ્ફેરલ ઇન્જેક્શન નથી

રાજકોટની સિવિલ હોસ્પિટલ તેમજ એઇમ્સમાં સારવાર માટે સૌરાષ્ટ્રભરમાંથી આવતા ગરીબ-મધ્યમવર્ગના દર્દીઓને આરોગ્ય વિભાગની ગંભીર વહીવટી નિષ્ફળતાઓને કારણે હાલાકીનો ભોગ બની રહ્યા હોવાનો ગંભીર આરોપ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તાએ લગાવી સિવિલમાં છેલ્લા ત્રણ વર્ષથી થેલિસિમિયા મેજર દર્દીઓ માટે અત્યંત જરૂરી ગણાતા ડેસ્ફેરલ ઇન્જેક્શન આપવામાં આવતા ન હોવાનું તેમજ એઇમ્સ અને રાજકોટ સિવિલમાં આંખ વિભાગમાં પણ વિવિધ ટેસ્ટ માટેના મશીન બંધ હોવાથી ખાનગી હોસ્પિટલમાં લૂંટાવું પડતું હોવાની ફરિયાદ કલેક્ટર સમક્ષ કરી પગલાં લેવા માગણી કરી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆતમાં જણાવ્યું કે, સિવિલમાં બીપી, ડાયાબિટીસ સહિતની દવાની કાયમી અછત વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી થેલિસિમિયા મેજર દર્દીઓ માટે અત્યંત આવશ્યક ગણાતા ડેસ્ફેરલ ઇન્જેક્શન નથી પરિણામે ગરીબ દર્દીને ખાનગીમાંથી ખરીદવા પડે છે. સિવિલ અને એઇમ્સમાં આંખ વિભાગમાં પેરીમેટ્રી રિપોર્ટ પણ બંધ હોવાનું તેમજ સિવિલમાં એમ્બ્યુલન્સ અને શબવાહિનીની અછત દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે.

સ્ટોર વિભાગમાં તપાસ કરાવીશું : સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ કોંગ્રેસના આરોપ અંગે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માંકડિયાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, હું સ્ટોર વિભાગમાં તપાસ કરાવી લઈ જીએમએસસીએલ તરફથી મળતી તમામ દવાઓ અને ઇન્જેક્શન સિવિલમાં નિયમિત આવે છે. નોંધનીય છે કે, જામનગર સહિતના જિલ્લામાં થેલિસિમિયાના દર્દીઓને ડેસ્ફેરલ ઇન્જેક્શન મળે છે, પરંતુ રાજકોટમાં નથી મળતા. સ્ટોર ઇન્ચાર્જ ડો.દુસરાનો સંપર્ક કરતા તેમનો ફોન નો-રિપ્લાય થયો હતો. સાથે જ સિવિલના આંખ વિભાગના ડો. કમલ ડોડિયાએ બે દિવસથી જ પેરીમેટ્રી રિપોર્ટ બંધ હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *