રાજકોટમાં 700માંથી 350થી વધુ કારખાના બંધ થતાં રોજનું 3000 કિલો દાગીનાનું ઉત્પાદન ઘટીને 200 કિલો થઇ ગયું

આંતરરાષ્ટ્રીય બજારના પગલે દિવાળીના તહેવાર બાદ સોના-ચાંદીમાં અસાધારણ તેજીના મંડાણ થયા છે જેના પરિણામે દેશ-વિદેશમાં પ્રખ્યાત રાજકોટનો પરંપરાગત ચાંદી ઉદ્યોગ ગંભીર સંકટમાં ફરાયો છે. દેશ-વિદેશમાં ચાંદીના દાગીના સપ્લાય કરતા રાજકોટના 700માંથી 350થી વધુ ઉત્પાદકોએ ચાંદીના દાગીનાનું મેન્યુફેકચરિંગ બંધ કરી દીધું છે.

રાજકોટમાં અગાઉ દૈનિક 3000 કિલોના ચાંદીના દાગીના બનતા હતા જેના સ્થાને દિવાળી બાદ હાલમાં રોજના 100થી 200 કિલો ચાંદીના દાગીનાનુંઉત્પાદન થઇ રહ્યું છે અને તે પણ મોટા ઉત્પાદકો જ કરી રહ્યા છે.

જ્યારે 350 જેટલા કારખાનાઓ ચાલુ સ્થિતિમાં છે તેમાં પણ મોટાભાગના તો સવારે માત્ર દીવાબત્તી કરવા માટે જ કારખાનું ખોલે છે અને બપોર બાદ કારીગરોને કારખાને ધક્કો ન ખાવા સૂચના આપે છે.

રાજકોટ સિલ્વર એસોસિએશનના અનિલભાઇ તળાવિયાએ જણાવ્યું હતું કે, ચાંદીમાં દિવાળી પૂર્વે જે તેજી જોવા મળી હતી ત્યારે ચાંદીના ભાવ રૂ.1 લાખથી રૂ.1.25 લાખ વચ્ચે અટકી જશે તેવો અંદાજ વેપારીઓ મૂકતા હતા અને દેશ-વિદેશમાં ચાંદીના દાગીના સપ્લાય કરતા મોટાભાગના ઉત્પાદકો દ્વારા ચાંદીના કડા, ચાંદીની પાયલ, ચાંદીના બાજુબંધ, ચાંદીના કંદોરા, ચાંદીના ચેઇન, ચાંદીની લકી સહિત ચાંદીના વિવિધ દાગીનાઓ અને વાસણોનું ઉત્પાદન ધમધોકાર ચાલી રહ્યું હતું, પરંતુ ચાંદીના ભાવમાં દિવાળી બાદ અસાધારણ તેજીના મંડાણ થતા મોટાભાગના કારખાનાઓ બંધ થઇ ગયા છે.

ચાંદીના દાગીના વેચતા કારખાનાઓને માલ સામે કાચો માલ ખરીદનારે આપવાનો હોય છે તે બંધ થતા અનેક કારખાનેદારો આર્થિક ભીંસમાં મુકાઇ ગયા છે. જૂના ઓર્ડરના પેમેન્ટ સમયસર આવતા નથી અને આવક-જાવક ઠપ થઇ ગઇ છે. બજારમાં મેટલ આવતી નથી. તેના પરિણામે ધંધો ઠપ થઇ ગયો છે.

તેના પરિણામે હજારો કારીગરો પણ બેકારીના ખપ્પરમાં હોમાયા છે. ચાંદીના દાગીનાની રીટેલ ખરીદી પણ ખૂબ જ ઘટી છે. બેન્ક ફાઇનાન્સ, કાચા માલની અછત અને પેમેન્ટ સાઇકલને કારણે ચાંદી ઉદ્યોગ પર ભારે દબાણ સર્જાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *