રાજકોટ સિવિલમાં રેસિડેન્ટ ડોકટર પર હુમલો

રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગમાં રવિવારે રાત્રિના ફરજ પર હાજર રેસિડેન્ટ ડોકટર પર દર્દીની સાથે આવેલા એક શખસે હુમલો કરતા ચકચાર મચી છે. બ્લડબેંકમાંથી લોહી લેવા માટેના ફોર્મને લઈ ડોકટર અને દર્દીના સંબંધી વચ્ચે બોલાચાલી થયા બાદ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે.

લુખ્ખાતત્વ દ્વારા કરાયેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા રેસિડેન્ટ ડોકટરને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તો બીજી તરફ હુમલાની આ ઘટનાના સિવિલ હોસ્પિટલમાં ઘેરા પડઘા પડ્યા છે. આજે બપોર બાદ તમામ તબીબોએ એકત્ર થઈ હુમલાની ઘટનાને વખોડી કાઢી છે અને હુમલાખોરને વહેલીતકે ઝડપી કડકમાં કડક કાર્યવાહીની માગ કરી છે. હોસ્પિટલ સંકુલમાં એકઠા થયેલા તબીબોએ ગુંડાગર્દી બંધ કરોના નારા લગાવ્યા હતા.

હુમલામાં ભોગ બનનાર રેસિડેન્ટ ડોકટરે જણાવ્યું હતું કે, રાજકોટના જયદીપ નામના શખસને ત્યાં કામ કરતા શ્રમિકને ગત ગુરુવારે અકસ્માતને કારણે માથામાં હેમરેજ થયું હતું અને તેથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેને બે વખત બ્લડ ચડાવ્યા બાદ ત્રીજી વખત બ્લડ ચડાવવા માટે દર્દીના સગા પાસેથી બ્લડ ડોનેટ કરેલું લેવાનું હતું.

જે પહેલા સિવિલ હોસ્પિટલની પોલિસી મુજબ સિવિલના માસી એટલે કે પટાવાળાને ઇસ્યૂ ચીટ આપવાની હોય છે. જોકે દર્દીની સાથેના જયદીપને ઇસ્યૂ ચીટ પોતાને જોઈતી હતી. જે ના પાડતા ઉશ્કેરાઈ ગયા હતા અને સિવિલના ન્યૂરો સર્જન વોર્ડમાં જઈ જયદીપે ગળું દબાવી પછાડી માર માર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *