રસ્તો ઓળંગતા વૃદ્ધાને સ્કોર્પિયોએ ટક્કર મારતા પતિની નજર સામે પત્નીનું મોત, દંપતી દીકરીના ઘરે જતું હતું

રાજકોટ શહેરમાં હુડકો ચોક પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં બેફામ સ્પીડમાં આવેલી સ્કોર્પિયો કારે રસ્તો ઓળંગતા વૃદ્ધાને ઠોકરે લેતા પતિની નજર સામે જ પત્નીનું મોત નીપજ્યું હતું. મૂળ બાંટવાનું વૃદ્ધ દંપતી રાજકોટ દીકરીના ઘરે જતું હોય ત્યારે અકસ્માત નડ્યો હતો. બનાવમાં મૃતકના પતિની ફરિયાદ ઉપરથી આજીડેમ પોલીસે અજાણ્યા કાળા કલરના સ્કોર્પિયો કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અજાણ્યા સ્કોર્પિયો ચાલક સામે ફરિયાદ દાખલ માણાવદર તાલુકાના બાંટવા ગામે સરકારી હોસ્પિટલની સામે કૃષ્ણપરા શેરી નંબર 3માં રહેતા અને વાળંદ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પ્રાગજીભાઈ શામજીભાઈ મારુ (ઉં.વ.76)એ આજીડેમ પોલીસ મથકમાં અજાણ્યા સ્કોર્પિયો કારના ચાલક સામે પોતાના પત્ની ઈન્દુબેન (ઉ.વ.63)ને હડફેટે લઈ તેનું મોત નિપજાવી ભાગી જવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મારે સંતાનમાં પાંચ દીકરીઓ તથા એક દીકરો છે. ગઈકાલે બપોરના 3.45 વાગ્યે જેતપુરથી રાજકોટ મારી દીકરીના ઘરે આવવા માટે એસ.ટી બસમાં બેસીને નીકળ્યા હતા અને મારી સાથે મારા પત્ની હતા.

સાંજના 6.30 વાગ્યે અમે રાજકોટ આવ્યા હતા ગોંડલ ચોકડી ઉતરી, રીક્ષામાં બેસી હુડકો ચોકડી પહેલા આવતી રામાધણી હોટલની સામે ઉતર્યા હતા. 7 વાગ્યા આસપાસ અમે ચાલીને સામે સ્વાતી પાર્કની મેઇન રોડ ખોડલધામ શેરી નંબર 2માં રહેતી મારી દીકરીના ઘર તરફ જવા નીકળ્યા હતા ત્યારે અમે મેઇન હાઈવે રોડ ક્રોસ કરતા હતા ત્યારે ગોંડલ ચોકડી તરફથી એક સ્કોર્પિયો કાર પૂર ઝડપે આવી અને મારી પાછળ ચાલીને આવતી મારી પત્નીને સીધી હડફેટે લઇ કાર ચાલક નાસી ગયો હતો. અકસ્માતના પગલે મારી પત્નીને માથાના ભાગે તેમજ શરીરે ઈજા થતા બેભાન થઈ ગયા હતા.

બનાવ અંગે મેં ફોનથી મારા જમાઈ હિતેશ મગનભાઈ ગોહેલને જાણ કરતા તેઓ આવી જતા 108માં મારી પત્નીને બેસાડી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અહીં ઇમરજન્સીમાં ફરજ પરના ડોક્ટરે મારી પત્નીને તપાસી રાત્રે 7.45 વાગ્યે મૃત જાહેર કરી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા સ્કોર્પિયો કારના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *