આણંદપર ગામે જળ સંરક્ષણ માટે ચેકડેમનું ખાતમુહૂર્ત

કાલાવડ તાલુકાના આણંદપર ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ સંરક્ષણ અને ખેતીના ઉત્કર્ષ માટે નવનિર્મિત ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, પાણી આવનારી પેઢી માટે અમૂલ્ય થાપણ છે. જો આજે પાણીનો સંગ્રહ નહીં કરીએ તો ભવિષ્ય મુશ્કેલ બનશે. તેમણે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યોની સરાહના કરતા ઉમેર્યું કે, ચેકડેમ બનવાથી આસપાસના કૂવા અને બોરના તળ ઊંચા આવશે, જેનો સીધો લાભ ખેડૂતોને મળશે.

આણંદપરના સરપંચ વિજયભાઈ ગોરસીયાએ પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું કે, ગામના વિકાસ માટે જળ સ્વાવલંબન અનિવાર્ય છે. આ ચેકડેમ આણંદપર ગામની પાણીની સમસ્યા હળવી કરવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.

નિકાવાના સરપંચ રાજુભાઈ મારવીયાએ પણ પ્રાસંગિક વક્તવ્ય આપતા જણાવ્યું કે, જળ સંચયના આવા કાર્યોથી માત્ર એક ગામ નહીં, પરંતુ આખા પંથકને ફાયદો થાય છે. લોકભાગીદારી અને ટ્રસ્ટના સહયોગથી થતા આવા કામો પ્રશંસનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *