ગૌમાતાના લાભાર્થે 28 ડિસેમ્બર સુધીની ભાગવત સપ્તાહનો પ્રારંભ

રાજકોટના મવડીમાં આવેલ રાજદિપ સોસાયટી દ્વારા 22થી 28મી ડિસેમ્બર સુધી કિસાન ગૌશાળાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. ખીરસરાના સનાતન આશ્રમના સંસ્થાપક શાસ્ત્રી ભક્તિપ્રકાશદાસજીના મુખે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આગવી શૈલીમાં રસપાન કરાવવામાં આવનાર છે. 2300 અબોલ જીવોનો નિભાવ કરતી અને પ્રાકૃતિક ખેતી માટે બહોળો પ્રચાર જ્યાં થાય છે, તેવી આ ગૌશાળાના લાભાર્થે યોજાનારી ભાગવત સપ્તાહમાં સૌ કોઈ યથાશક્તિ દાન આપે તેવી અપીલ કરવામાં આવી છે.

પ્રમુખ ચંદ્રેશ પટેલે જણાવ્યું હતું કે, શહેરના મવડી વિસ્તારમાં રાજદિપ સોસાયટીમાં રાજેશ્વર મહાદેવ મંદિર ખાતે કિશાન ગૌશાળાના લાભાર્થે 22થી 28 ડિસેમ્બર સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનો સમય બપોરે 3:30થી 6:30 સુધીનો રહેશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ મહોત્સવના મુખ્ય યજમાન સ્વ. મણીબેન પ્રેમજીભાઈ કાછડીયા અને સ્વ. જયાબેન ખોડાભાઈ કાછડીયા પરિવાર છે, જેમણે ભાવપૂર્ણ ભક્તિભાવ સાથે આ પાવન આયોજન કર્યું છે. જ્યારે સહ-યજમાન તરીકે મુકેશઈ બરાંભીયાએ સેવાભાવથી સહયોગ આપ્યો છે. આ પ્રસંગે શાસ્ત્રી ચંદ્રપ્રકાશદાસજી (ગુરુકુળ રાજકોટ), શાસ્ત્રી રાધારમણદાસજી (મહંત રાજકોટ મંદિર), શાસ્ત્રી વિવેકસાગરદાસજી (મહંત, બાલાજી મંદિર રાજકોટ) વગેરે સંતોનું પવિત્ર સાનિધ્ય પ્રાપ્ત થશે.

02:30 વાગ્યે પોથી પધરામણીનો મહોત્સવ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણમાં આજે સોમવારે પ્રથમ દિવસે બપોરે 02:30 વાગ્યે પોથી પધરામણીનો મહોત્સવ મવડીમાં 80 ફૂટ રોડ પર શીવવાટીકા સોસાયટીથી શરૂ થશે અને કથા મંડપ સુધી વાજતે ગાજતે જશે. ત્યારબાદ 03:30 કલાકે શાસ્ત્રી ભક્તિપ્રકાશદાસજીના શ્રીમુખે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનો પ્રારંભ થશે. જે બાદ તા. 24ને બુધવારના રોજ બપોરના 04:00 કલાકથી નૃસિંહ પ્રાગટ્ય તથા સાંજે 05:00 કલાકે વામન પ્રાગટ્યના ઉત્સવો મનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *