રાજકોટ શહેરમાં ગઈકાલે RTO દ્વારા ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઇવ રોડ સેફટી અંતર્ગત યોજવામાં આવી હતી, જેમાં હાઇ વોલ્ટેજ ફોગ લાઈટ વાળા 39 જેટલા વાહનો સામે કાર્યવાહી કરી 1.30 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. રાજકોટના ઇન્ચાર્જ RTO કેતન ખપેડે જણાવ્યું હતું કે, રોડ અકસ્માતમાં ઘટાડો કરવા માટે ખાસ એક ડ્રાઇવ યોજવામાં આવી હતી અને આ ડ્રાઇવ આગળ પણ સતત ચાલુ જ રાખવામાં આવશે.
હાઇ-વે પર હેવી ફોગ લાઈટ, એલઇડી લાઈટથી સામે આવતા વાહનચાલકોની આંખ અંજાય જવાથી અકસ્માત સર્જાય છે, જેમાં ગંભીર ઈજાઓ અને મૃત્યુ પણ થવાની શક્યતા હોવાથી ખાસ આ ડ્રાઇવ યોજી ગઈકાલની આ ડ્રાઇવમાં એલ.ઈ.ડી લાઈટ, રેડિયમ રિફલેકટર તથા આર.યુ.પી.ડી. અને એસ.યુ.પી.ડી વગેરે મળી કુલ 39 વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમાં 1.30 લાખ દંડ વસૂલવામાં આવ્યો છે.
31st પહેલા વિદેશી દારૂના જથ્થા પર પોલીસની વોચ રાજકોટ શહેર PCB ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન કુવાડવા રોડ ઉપર ત્રિમંદિરની સામે વછરાજ હોટલ પાસેથી જીજે.01.ડબ્લ્યુસી.8315 નંબરની બ્રેજા કારને અટકાવી તલાશી લેતા કારના ચોરખાનામાંથી રૂ.2.58 લાખ કિંમતની વિદેશી દારૂની 500 બોટલ મળી આવી હતી. જેથી, પોલીસે કાર ચાલક બાબુલાલ પ્રેમચંદ બીલવાલ (ઉ.વ.36)ની ધરપકડ કરી વિદેશી દારૂ, કાર, મોબાઈલ મળી કુલ રૂ.7.63 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઝડપાયેલ શખ્સની પુછપરછ કરતા પોતે એમપીથી દારૂનો જથ્થો ભરીને લાવ્યાની કબૂલાત આપી હતી જયારે અહીં દારૂનો જથ્થો મંગાવનાર શખ્સનો મોબાઈલ નંબર મળી આવતા પોલીસે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.