રાજકોટમાં શિયાળાની સીઝન ચાલી રહી છે અને મકરસંક્રાંતિનો તહેવાર નજીક છે ત્યારે લોકો મોટી માત્રામાં ચીકીનું સેવન કરે છે. આ ચીકી લોકોનું આરોગ્ય જોખમમાં ન મૂકે તે માટે મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં શહેરના પારેવડી ચોક અને આસપાસના વિસ્તારોમાં અલગ અલગ પ્રકારની ચીકીના 10 નમૂના લેવામાં આવ્યા હતા અને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા હતા.
ચીકીના 3 ધંધાર્થીઓ પાસે ફૂડ લાયસન્સ ન હોવાથી નોટિસ આપી તાકીદ કરવામાં આવી હતી. ફૂડ ઇન્સ્પેક્ટર સહિતની ટીમે માત્ર ચીકી જ નહીં પરંતુ તેમાં ઉપયોગમાં લેવાતા કાચા માલની પણ ચકાસણી કરી હતી. જોકે મનપાની ટીમના હાથે અત્યાર સુધીમાં એક પણ વેપારીને ત્યાંથી ગેરરીતિ ઝડપાઈ નથી.
મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના પારેવડી ચોક, કેશરી હિન્દ પુલ પર આવેલ વિસ્તારોમાં ચીકીનું ઉત્પાદન તથા વેચાણ કરતી પેઢીમાં ચેકિંગ કરવામાં આવ્યું હતુ. જેમાં વપરાશમાં લેવાતા તલ, ગોળ, શીંગદાણા, ટોપરું વગેરેના સ્ટોરેજ પેકિંગ તેમજ પેઢીના ઉત્પાદન સ્થળ પર હાઈજેનિક કન્ડિશન તપાસવામા આવી હતી. જેમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 8 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાથી 3 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. જેમાં મોમાઈ ચીકી, અનંત લાઈવ ચીકી અને જય સિયારામ ચીકી સામેલ છે.
કાળા તલનું કચરિયું અને તલના લાડુના નમૂના લેવામાં આવ્યા ફૂડ વિભાગની ટીમ દ્વારા પારેવડી ચોક પાસેની મોમાઈ ચીકીમાંથી તલની ચીકી, અનંત લાઈવ ચીકીમાંથી ક્રશ ચીકી, શિવ ચીકીમાંથી તલના લાડુ, જય બજરંગ લાઈવ ચીકીમાંથી દાળિયાની ચીકી,જય સિયારામ ચીકીમાંથી ટોપરાની ચીકી અને શીંગ ચીકી,જય જલારામ ચીકીમાંથી નેશનલ નામદાર પિનટ માવા ચીકી અને મનમોજી ચીકી, પાર્થ ચીકીમાંથી કાળા તલનું કચરિયું અને તલના લાડુના નમૂના લેવામાં આવ્યા હતા.