સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 40 લાખના ખર્ચે ઇન્ડોર સ્ટેડિયમનું નવીનીકરણ થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 54માં ખેલકૂદ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. બે દિવસમાં 26 ઇવેન્ટમાં 400થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે ત્યારે યુનિવર્સિટીના વેરાન બની રહેતાં મેદાનોને જીવંત કરવાનું કુલપતિએ નક્કી કર્યું હોય તેમ 3 રમતમાં કોન્ટ્રાક્ટ આધારિત કોચની નિમણૂક કરવા માટે તેમજ 40 લાખના ખર્ચે ઇન્ડોર સ્ટેડિયમનું નવીનીકરણ કરવાનું જાહેર કર્યું છે.

ભારતમાં કોમનવેલ્થ અને ઓલમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ રચાવા જઈ રહી હોય ત્યારે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી દ્વારા ખેલાડીઓ માટે ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ વધારવામાં આવતા સ્પર્ધકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે જોકે તેનાથી ક્વોલિટી વધશે તેવું કુલપતિનું માનવું છે.

‘ગત વર્ષ કરતા આ વર્ષે સ્પર્ધકોની સંખ્યામાં ઘટાડો થયો’ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 54માં ખેલકૂદ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જેમાં એથલેટિક્સની ભાઈઓની 9 અને બહેનોની 8 ઇવેન્ટમાં 200 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ત્રણ ક્રમે રહેતા વિજેતાઓને અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જોકે ગત વર્ષ કરતા આ વર્ષે સ્પર્ધકોની સંખ્યામાં ઘટાડો થયો છે જેનું કારણ એ છે કે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી દ્વારા અમૂક રમતોના ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ ઉંચા રાખવામાં આવ્યા છે. ભારતમાં અને ખાસ ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ જેવી આતંરરાષ્ટ્રીય સ્પર્ધાઓ યોજાવા જઈ રહી હોય ત્યારે ક્વોન્ટિટી કરતા ક્વોલિટીમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે.

40 લાખના ખર્ચે ઇન્ડોર સ્ટેડિયમનું નવીનીકરણ થશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બોર્ડ ઓફ સ્પોર્ટ્સની દરખાસ્ત હતી કે ઇન્ડોર સ્ટેડિયમનું નવીનીકરણ કરવામાં આવે. જે માટે હવે ટેન્ડરની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે અને હવે ઓર્ડર આપવાનો છે. 40 લાખના ખર્ચે ઇન્ડોર સ્ટેડિયમનું નવીનીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી યુનિવર્સિટીના ઇન્ડોર અને આઉટડોર બંને સ્વિમિંગ પૂલ બંધ હતા. જે બંને તાજેતરમાં યોજાયેલી તરણ સ્પર્ધા વખતે જ શરૂ કરવામાં આવેલા છે. સ્વિમિંગ પૂલમાં ફિલ્ટરેશન અને ક્લોરીનેશન કરવામાં આવેલું છે. આ ઉપરાંત હાલ જીમ અને બેડમિન્ટન કોચ છે ત્યારે યુનિવર્સિટી દ્વારા હેન્ડબોલ, બાસ્કેટબોલ અને લોન ટેનિસ રમતના કોચ કોન્ટ્રાક્ટ આધારિત નિમણૂક કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *