રાજકોટ મહાનગરપાલિકાની ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી જેમાં 24માંથી 4 દરખાસ્ત પેન્ડિંગ રાખવા નિર્ણય કરાયો હતો. જેમાં મહાનગરપાલિકાની મિલકતોની સુરક્ષા માટે ખાનગી એજન્સીઓ સાથે રૂ.39.84 કરોડના ખર્ચે દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટ કરવાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી.
આ ઉપરાંત જુદી-જુદી શાખાઓના કર્મચારીઓના પગાર ધોરણમાં સુધારો કરવા અને ઓડિટ શાખામાં બઢતી આપવા અને રણછોડનગરની શાળાનું સંચાલન સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટને સોંપવાની દરખાસ્તો વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગની બેઠકમાં રૂ.1.84 કરોડની આવક સામે રૂ.143.07 કરોડના ખર્ચે ન્યારી ડેમ આધારિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સહિત કુલ 15 દરખાસ્ત મુજબ રૂ.162.84 કરોડના વિકાસ કામોને મંજૂરીની મહોર મારવામાં આવી છે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મહાનગરપાલિકાની માલ મિલકતના રક્ષણ માટે બે વર્ષના સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવા માટે જાહેરાત આપવામાં આવી હતી, જેમાં કુલ 25 એજન્સીએ બીડ રજૂ કર્યા હતા જેમાંથી પાંચ એજન્સીઓ ડિસક્વોલિફાઇ થઇ હતી.
જ્યારે બાકીની 17 એજન્સી દ્વારા 0.01 ટકા કરતાં વધુ સર્વિસ ચાર્જ ભરપાઇ કરાયો હોય ટેન્ડર મૂલ્યાંકન કમિટી દ્વારા તે મંજૂર કરાતા કમિશનર દ્વારા દરખાસ્ત કરાઇ હતી.