રાજકોટના પ્રેમી પંખીડાએ ચાલુ બસમાં ઝેરી દવા પી સજોડે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. શહેરના ગંજીવાડા વિસ્તારમાં રહેતા પરિણીત યુવાનને સગીરા સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથી સાત દિવસ પૂર્વે યુવાન સગીરાને ભગાડી ગયો હતો અને રાણપુર પોતાના મામાના ઘરે લઈ ગયો હતો. જે બાદ આજે બપોરે બંને ધંધુકાથી જામનગરની બસમાં રાજકોટ આવી રહ્યા હતા, પરંતુ પરિવાર એક નહીં થવા દે તેવા ડરથી પ્રથમ યુવકે અને બાદમાં સગીરાએ ઝેરી દવા પી લેતા બંનેના મૃત્યુ નીપજ્યા હતા.
પરિણીત યુવક અને સગીરા વચ્ચે પ્રેમ સંબંધ બધાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ગંજીવાડા શેરી નંબર 1માં રહેતા 33 વર્ષીય રવિ ખોડાભાઈ મકવાણાને ઘરની સામે જ રહેતી 17 વર્ષીય સગીરા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. સગીરાના પરિવારજન ત્રણ મહિના પહેલા જ ત્યાં રહેવા આવ્યો હતો. યુવાન પરિણીત હોવા છતાં સગીરાના પ્રેમમાં પડ્યો હતો અને બાદમાં એક અઠવાડિયા પહેલા યુવાન સગીરાને ભગાડી ગયો હતો.
જે બાદ પ્રેમી પોતાના રાણપુર રહેતા મામાના ઘરે પ્રેમિકાને લઈ ગયો હતો. જ્યાંથી બંને આજે સવારે ધંધુકા-જામનગરની બસમાં બેસી રાજકોટ આવતા હતા. જેની જાણ સગીરાના પરિવારજનોને થતા તેઓ આજીડેમ ચોકડીએ ઉભા હતા. જે દરમિયાન આજીડેમ ચોકડીએ બસ ઊભી રહી અને સગીરાને નીચે ઉતારી તો તે બેભાન થઈ ઢળી પડી હતી.