143 કરોડનાં ખર્ચે સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ રાજકોટમાં

રાજકોટ મહાપાલિકા કચેરીએ આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં યોજાશે. જેમાં નવા ભળેલા વિસ્તારોમાં નિયમિત રીતે પાણી પહોંચાડી શકાય તે માટે રૂ. 143 કરોડનાં ખર્ચથી સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા સહિતની કુલ 24 દરખાસ્તો સામેલ છે. આ દરખાસ્તો અંગે આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે. મોટામૌવા, વાવડી, મનહરપુર, માધાપર, મુંજકા સહિતના વિસ્તારના અંદાજે 3થી 4 લાખ લોકોને લાભ મળશે.

રાજકોટ મહાનગરપાલિકા સૌરાષ્ટ્રનો સૌથી મોટો 150 MLD (મિલિયન લિટર પ્રતિ દિન) એટલે કે 15 કરોડ લિટરની ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) સ્થાપવા જઈ રહી છે. આ મહત્વાકાંક્ષી યોજના પાછળ અંદાજે રૂ. 143.07 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે, તેના પર આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે. રાજકોટ પશ્ચિમના નવા ભળેલા વિસ્તારો અને ભવિષ્યમાં જોડાનાર સંભવિત વિસ્તારોની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા આ એડવાન્સ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ વેસ્ટ ઝોનના લોકોને પૂરતું અને ફિલ્ટર થયેલું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરશે.

સરકારી એન્જિનિયરિંગ કોલેજ પાસે 143 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ન્યારી-1 ડેમ આધારિત આ WTP કણકોટ રોડ પર સરકારી એન્જિનિયરિંગ કોલેજ પાસે, વોર્ડ નં. 11ના મવડી ટીપીના બે પ્લોટમાં લગભગ 54,558 ચોરસ મીટર જમીન પર બનાવવામાં આવશે. મૂળભૂત રીતે, 150 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માણ માટે રૂ. 117.24 કરોડનો ખર્ચ થશે. આ કામમાં પાંચ વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સના રૂ. 9.33 કરોડનો પણ સમાવેશ થાય છે, જેનાથી કુલ ટેન્ડર રકમ રૂ. 136.70 કરોડ થાય છે. આ ઉપરાંત, રૂ. 20.36 કરોડ જીએસટી (GST) અને O&M ના રૂ. 9.60 કરોડ સહિત અધિકારીઓએ કુલ રૂ. 143.07 કરોડનો ખર્ચ દર્શાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *