શહેરમાં થોડાં દિવસ પહેલા જાહેરમાં રૈયારોડ પર એકાઉન્ટન્ટ યુવતીને જાહેરમાં બેફામ ફટકારી બંને પગ ભાંગી નાંખનાર શખ્સ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ થયો છે. રૈયા રોડ પર રહેતા હિરેન ધોળકિયા નામના શખ્સે એકાઉન્ટન્ટ યુવતીને લગ્નની લાલચ આપી અલગ અલગ હોટેલમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં હિરેન પોતે પરિણીત હોવાનું સામે આવતા યુવતીએ યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે જેલ હવાલે થયેલા આરોપીનો કબજો મેળવ્યો છે. બનાવ અંગે 150 ફૂટ રીંગ રોડ નજીક રહેતી 25 વર્ષીય યુવતીએ ફરિયાદમાં રૈયા રોડ પર બાપા સીતારામ ચોક નજીક રહેતા હિરેન ઉર્ફે કાના રાજા ધોળકિયાનું નામ આપતાં યુનિવર્સીટી પોલીસની ટીમે બેએનએસની કલમ 69 હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.
બંને અવાર નવાર અલગ અલગ જગ્યાએ મળતા અને વાતચીત કરતા પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના પિતાનું પાંચ વર્ષ પૂર્વે અવસાન થઇ ગયું છે. તેણી હાલ તેની માતા અને ભાઈ સાથે રહે છે અને પોતે એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. ગઈ તા. 31/07/2024ના રોજ તેમની માતાનું એક્સિડન્ટ થયું હતું. જેથી તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દાખલ કર્યા હતા. ત્યારે તેમના ભાઈ સાથે આવેલા હિરેન ધોળકિયા સાથે પરિચય થયો હતો. જે બાદ એક અઠવાડિયા સુધી હિરેન માતા પાસે હોસ્પિટલ ખાતે આવતો હોવાની સાથે મોબાઈલ ફોનમાં વાતચીત શરૂ થઈ હતી. ત્યારબાદ બંને અવાર નવાર અલગ અલગ જગ્યાએ મળતા અને વાતચીત કરતા હતા.
લગ્ન થઈ ગયા હોવા બાબતે અજાણ રાખતા ફરિયાદ નોંધાવી આ દરમિયાન હિરેન ઉર્ફે કાના રાજા ધોળકિયાએ જણાવ્યું હતું કે, હું તારી સાથે લગ્ન કરીશ, હું કુંવારો છું, તેવી વાતચીત કરી લગ્નનું વચન આપી અવાર નવાર કેકેવી હોલ પાસે આવેલી સાગર હોટલમાં તેમજ જામનગર રોડ ઉપર આવેલી પ્રયાગરાજ રિસોર્ટ ખાતે લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં તેણીને જાણવા મળ્યું હતું કે, હિરેન ભરવાડ જ્ઞાતિના હતા. જેના લગ્ન તથા સગાઈ નાનપણથી જ થઈ જતાં હોવાને પગલે હિરેનના પણ લગ્ન થઈ ગયા હતા. જે વાત તેણીથી છુપાવી અંધારામાં રાખી શરીર સંબંધ બાંધનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.